કેજરીવાલની હાર્દિકને મુખ્યપ્રધાન બનાવવાની ઓફર, હાર્દિકે રાજકારણમાં નહીં પ્રવેશવાના સોગંધ લીધા હતાં.

સોમવાર, 17 ઑક્ટોબર 2016 (18:15 IST)
ગુજરાતમાં ર૦૧૭માં યોજાનારી વિધાનસભાની સામાન્યા ચૂંટણીમાં પાટીદાર આંદોલન ઇફેકટ ન પડે તે માટે ભાજપે છેલ્લા કેટલાક મહિનાઓથી ઓપરેશન પાટીદાર હેઠળ આંદોલનને થાળે પાડવામાં અંશતઃ સફળતા મેળવી છે ત્યાિરે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે વાતચીતમાં કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં બહુમતી લાવશે તો હાર્દિક પટેલને મુખ્ય પ્રધાનપદ માટે આમંત્રીત કરીશું.  હાર્દિક પટેલ પર ઓવારી ગયેલા અરવિંદ કેજરીવાલે સુરતની જાહેર સભામાં પણ હાર્દિક પટેલને ખરો દેશભકત ગણાવતાં કહયું હતું કે જો દેશને હાર્દિક જેવા ૧૦૦ યુવાનો મળી જાય તો આ દેશની સકલ બદલાઇ જાય. ગઇકાલે સવારે વડોદરાથી સુરત જવા માટે બાય રોડ રવાના થયેલા અરવિંદ કેજરીવાલે ને કહયું હતું કે, 'હાર્દિક અત્યારે કોઇ પોલીટિકલ પાર્ટી સાથે જોડાવા ન ઇચ્છતો હોય તો એ તેની ઇચ્છા, પણ જો ગુજરાતમાં અમારો પક્ષ સરકાર બનાવશે તો અમે હાર્દિકને સત્તાની જવાબદારી સોંપવા તૈયાર છીએ. એ વિશે મારે પાર્ટીના નેતાઓ સાથે પણ વાત થઇ છે અને તે સૌ પણ આ વિચાર સાથે સહમત છે. હાર્દિક પાસે કોઇ જાતનો અનુભવ નથી એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદ કેજરીવાલે હસતા-હસતાં કહયું કે, 'મેરે પાસ ભી કોઇ અનુભવ નહીં થા... ઔર આજ ભી બાકી સભી નેતાઓ કે સામને મેરી કોઇ ઔકાત નહીં હૈ. સમાજ અને દેશ માટે કામ કરવાની ધગશ હોય ત્યારે અનુભવની કોઇ જરૂરીયાત રહેતી નથી. કામ જ કામને શીખવે છે.' અરવિંદ કેજરીવાલે કહયું હતું કે 'આજના સમયમાં સમાજ આખાને એક કરવો અને બધાને સાથે લઇને ચાલવું એ બહુ સારી વાત છે. હાર્દિકનો વિરોધ કરનારો વર્ગ પોલીટીકલ પાર્ટીના પૈસા લઇને તેનો વિરોધ કરે છે, પણ હકિકત તો એ છે કે હાર્દિક આજે જે કંઇ કરી રહ્યો છે એમાં તેનો કોઇ આર્થિક સ્વાર્થ નથી. તે માત્ર સમાજ અને પોતાના પાટીદારો માટે કામ કરે છે.' તો બીજી બાજુ હાર્દિક પટેલે આંદોલન સમયે પોતે ક્યારેય રાજકારણમાં નહીં ઉતરે તેવા સોગંધ લીધા હતા. આ પ્રકારની રાજનિતી પટેલ સમાજ પર કોઈ અસર નહીં કરે કારણ કે ગુજરાતમાં ત્રીજો પક્ષ કયારેય કોઈ લાલચે ચાલ્યો નથી. કેશુભાઈ પટેલની પાર્ટી પણ ગુજરાતમાં મોદી માહોલ વચ્ચે ના ચાલી તો કેજરીવાલની સાવરણી કેવી રીતે ચાલશે એવું ખુદ પાટીદાર સમાજ ચર્ચા કરી રહ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો