અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.આ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજાહિત અને સમાજની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટેની વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્ફરન્સના હેતુઓ સાકાર કરી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં
પોલીસ કોમ્યુનિટી પોર્ટલનું મુખ્યમંત્રીએ લોન્ચિંગ કર્યું
મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની આગવી પહેલરૂપ પોલીસ કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી નું પણ લોન્ચિંગ આ અવસરે કર્યું હતું.નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય તે માટે દર બે માસે પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ/ચોકી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અલગ-અલગ સમુદાયના ઓછામાં-ઓછા 20 નાગરિકો સાથે મીટીંગ કરી “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અન્વયે ચર્ચા કરી મીટીંગને લગતી વિગતો અને મીટીંગના મુદ્દા તથા થયેલી ચર્ચાની મીનીટ્સ નોટ્સ તૈયાર કરી આ પોર્ટલ પર અપલોડ કરાશે.
સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઉભી રહેશે
આ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવેલી તમામ મીટીંગની વિગતોનું સંકલન પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ-1સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્રારા કરવામાં આવશે અને આ તમામ હકીકતો પોલીસ મહાનિદેશકના ધ્યાને મુકીને પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ સાધવાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાશે.મુખ્યમંત્રીએ ડ્રગ્સના દૂષણ સામે ઝીરો ટોલરન્સથી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દુષણથી બચાવવા પોલીસતંત્ર સકારાત્મક ભૂમિકા નિભાવે છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને કહ્યું કે, તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે.
સુરક્ષા અને શાંતિ પોલીસ તંત્રની એક સૂત્રતાને આભારી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યની સુરક્ષા અને શાંતિ પોલીસ તંત્રની એક સૂત્રતાને આભારી છે. રાજ્ય સરકાર આ ક્રાઈમ કોન્ફરન્સ થકી અનેક નવા પ્રયાસો કરવા જઈ રહી છે. પ્રથમ વાર એવું બન્યું છે કે આ કોન્ફરન્સમાં રાજ્યના વિવિધ શહેરોના તમામ ડીસીપી અને ગૃહ વિભાગના વડાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યનું પોલીસ તંત્ર સાયબર ગુનાઓ, આધાર સ્કેમ, મહિલાઓ પરના અત્યાચાર જેવા અનેક ગુનાઓ અને સમાજ વિરોધી કૃત્યોને ડામવા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે. આ કોન્ફરન્સ રાજ્યના પોલીસ તંત્રને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અદ્યતન બનવા માટે મહત્વની સાબિત થશે.