હનુમાન જયંતી પર નિબંધ

ગુરુવાર, 31 માર્ચ 2022 (15:18 IST)
સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઇરછાનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.
 
સર્વાંગ સુંદર એવી યશસ્વિની અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઇ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઇ ગયું.જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઇએ ગાઢ આલિંગન કર્યું છે પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’
 
આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.
 
મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન બચપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇરછાથી આકાશમાં ઊડવા લાગ્યા અને તેજગતિથી ત્રણ હજાર યોજન ઊચે ગયા, ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન વાતાત્મજન હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ(હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.
 
પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા. તેઓ બધા  ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે. તેઓ અનેક પ્રકારની રામાયણો, પદ્મ, સ્કન્દ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે. રામભક્ત હનુમાન... પવનપુત્ર વીર હનુમાનને તેમની જન્મજયંતી પર વંદન....

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર