ત્રણ ખાસ મિત્રોનું સિનેમા પેશનનું સપનું - ધ ટ્રાવેલિંગ સર્કસ

ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (18:26 IST)
પોતાના જ પ્રોડક્શનનો આરંભ  "શુભ આરંભ" નામની ફિલ્મ બનાવી કર્યો

આજનો યુગ ફરીવાર ગુજરાતી સિનેમાને ટોચ પર લઈ જવા માટેનો છે. ત્યારે વધુ એક ફિલ્મ તૈયાર થઈ જેનું નામ છે શુભ આરંભ. તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. ધ ટ્રાવેલિંગ સર્કસ એ ત્રણ અલગ ફિલ્ડનું બેકગ્રાઉન્ડ ધરાવતા મિત્રોનું સાહસ છે. જેઓ હવે પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છે. આ વિચાર તેમના ઝહનમાં લગભગ એકાદ વર્ષ પહેલાં આવ્યો હતો. ઘણા સંઘર્ષો બાદ આખરે તેઓ એક બિઝનેસમાં જોડાયા અને તે છે સિનેમા. આખરે તેમણે શુભ આરંભ નામની ફિલ્મનો સફળ પ્રોજેક્ટ પણ હવે તૈયાર કરી દીધો. આ ફિલ્મ ત્રણ યુવાનો નીરવ અગ્રવાલ, સૂર્યદીપ બાસીયા અને સિદ્ધાર્થ શ્રીવાસ્તવે પોતાના ફિલ્મી પેશનને સંતોષવા પ્રોડ્યુસ કરી છે.

આ ફિલ્મના દિગ્દર્શક અમિત બારોટ છે. જ્યારે તેનું નિર્માણ ધ ટ્રાવેલિંગ સર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનુપમનો રોલ હર્ષ છાયાએ કર્યો છે. મનસ્વીનો રોલ પ્રાચી શાહ પંડ્યાએ કર્યો છે. શુભનો રોલ ભરત ચાવડા અને રિદ્ધિમાનો રોલ દીક્ષા જોશીએ કર્યો છે. આ ફિલ્મને વિપુલ શર્મા દ્વારા લખવામાં આવી છે. જ્યારે તેનો સ્કિનપ્લે અને સંવાદો અભિનય બેંકર દ્વારા લખવામાં આવ્યાં છે.

આ ત્રણેય મિત્રો આમતો શાળા કોલેજમાંથી જ મિત્ર બન્યા છે. સિદ્ધાર્થ અને નિરવ તો એકબીજાના ખાસ મિત્રો છે. તેઓ અલગ અલગ ફિલ્ડમાં કામ કરતાં હતાં. જેમાં સિદ્ધાર્થ તો બિગબોસ જેવા રિયાલીટી શો સાથે તેમજ અલગ અલગ ટ્રાવેલિંગ અને ડોક્યુમેન્ટ્રીને લગતી ચેનલોમાં પણ એડિટર અથવા તો સ્ટોરી લાઈન પર કામ કરી ચૂક્યાં છે. ત્યારે નિરવ પણ સંગીત સાથે સંકળાયેલા છે. ત્યારે તેમની સાથે કેટલાક સવાલ જવાબો થયાં હતાં.
તેમને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે આટલી મોટી જોબ ઓપર્ચ્યુનિટી છોડીને તમે ટ્રાવેલિંગ સર્કસ નામનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો નિર્ણય કેવી રીતે લીધો ?  આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે બસ મનમાં એક વિચાર હતો કે કંઈક કરવું છે, અમે લોકો આમેય ફિલ્મી પેશન સાથે સંકળાયેલા છીએ તો કેમ હાલમાં ગ્રોથ કરી રહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ના કરીએ. ત્યારે એકબીજા સાથેની વાતચિતમાં નક્કી થયું અને ત્રણેય તૈયાર થયાં, અમે છેલ્લાં બે વર્ષથી જ આ પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું છે અને છેલ્લા છ મહિનામાં અમે અનેક કથાઓ સાંભળી છે એમાંથી અમને શુભ આરંભ ફિલ્મની કથા ગમી અને છેવટે આ ફિલ્મનું નિર્માણ કરી દીધું.

તેમને એવો સવાલ કરવામાં આવ્યો કે હાલમાં ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસરો કમાતા નથી તો તમે આ જોખમ લેવા વિશે શું માનો છો ? આ સવાલના જવાબમાં ત્રણેય મિત્રો એક સાથે બોલ્યા કે અમે ક્યારેય રીકવરીને લઈને ફિલ્મ બનાવવાનો વિચાર નથી કર્યો. બસ માત્ર ફિલ્મ બનાવવી છે અને લોકોને પારિવારિક ફિલ્મ બતાવવી છે એવો વિચાર કર્યો હતો. રીકવરી અંગે ક્યારેય વિચાર્યું નહોતું. નિરવે કહ્યું હતું કે શરૂઆતમાં કોઈ પણ બિઝનેસ કરો તેના માટે દરેક વ્યક્તિએ એક હજાર દિવસ આપવા પડે છે અને બાદમાં તમને તમારા બિઝનેસમાં કંઈક મળે છે. તો અમે હજી શરૂઆત કરી છે.  સિદ્ધાર્થ શ્રીવાસ્તવે ફિલ્મને લઈને કહ્યું હતું કે આ ફિલ્મમાં મોટા ભાગના લોકોનો રોલ ડેબ્યુ છે. અમે પણ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યાં છીએ. આ ફિલ્મ અમદાવાદમાં જ શૂટ કરવામાં આવી છે. જબરદસ્ત સંવાદો અને પારિવારિક ભાવનાઓથી ભરપુર મનોરંજન વાળી ફિલ્મ સાબિત થશે.

વેબદુનિયા પર વાંચો