જોન એફ કેનેડી એરપોર્ટ પર ગોળીબાર થતા દહેશત

મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (14:54 IST)
પ્રવાસીઓના આવનજાવનથી ધમધમતા જોન એફ કેનેડી એરપોર્ટ પર ગોળીબાર થયાના અહેવાલ મળ્યા પછી બે ટર્મિનલના પ્રવાસીઓને એરપોર્ટ ખાલી કરાવાતાં પ્રવાસીઓમાં દહેશત ફેલાઇ હતી.
 
   શહેરના એરપોર્ટ પર દેખરેખ રાખતા પોર્ટ સત્તાવાળાએ પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું હતું કે જેએફકે ટર્મિનલ 8 ખાતે રાતે 9.30 (સ્થાનિક સમય) વાગ્યે ગોળીબાર થયો હોવાની માહિતી પોલીસને મળી હતી. આ ટમિર્નલ ડિપાર્ચર એરિયામાં છે.  અડધો કલાક પછી લગભગ 10.15 (સ્થાનિક સમય) ગોળીબાર થયો હોવાનો બીજો ફોન આવ્યા પછી ન્યૂ યોર્ક ખાતેનું ટર્મિનલ 1 પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
 
   પોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે સાવચેતીનાં પગલાં તરીકે ટર્મિનલ ખાલી કરાવવામાં આવ્યું હતું. કેનેડી એરપોર્ટ અને અન્ય લગવાર્ડિયા એરપોર્ટ પર ન્યૂયોર્કના પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ અથવા કોઇની ધરપકડ કરવામાં આવી નથી. સેંકડો પ્રવાસીને ટર્મિનલ પરથી જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું અનેક ફલાઈટ્સ રદ કરવામાં આવી હતી. અગમચેતીના પગલાં તરીકે ફલાઈટ અન્યત્ર વાળવામાં આવી હતી. પ્રવાસીઓ એરપોર્ટમાંથી બહાર નિકળી ગયા હોવાથી સેંકડો બેગ અને સૂટકેસ એરપોર્ટ પર રહી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો