ચીનનું અવકાશયાન ચંદ્રની જમીનના નમૂના લઈ પૃથ્વી પર પરત ફર્યું

બુધવાર, 26 જૂન 2024 (09:39 IST)
ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દૂરના અજાણ્યા વિસ્તારોના નમૂના લઈને પૃથ્વી પર પરત આવી ગયું છે. ચાંગ’ઈ-6 લગભગ બે મહિના પછી ઇનર મંગોલિયાના રણપ્રદેશમાં ઊતર્યું.
 
વૈજ્ઞાનિકો ચાંગ’ઈ-6ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. કારણ કે ચંદ્રથી લવાયેલા નમૂના તેની ઉત્પત્તિ વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ આપી શકે છે. ચીન એકમાત્ર દેશ છે જે ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યો છે. ચીનનું અવકાશયાન 2019માં પણ ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યું હતું.
 
ચંદ્રના આ વિસ્તારમાં અવકાશયાનની લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. કારણ કે લાંબું અંતર, વિશાળ ખાડાઓ અને ઓછી સપાટ જગ્યાને કારણે અહીં લેન્ડિંગ મુશ્કેલ છે.
 
વૈજ્ઞાનિકો ચંદ્ર પર અભિયાનો મોકલવામાં એટલા માટે રસ દાખવે છે, કારણ કે તેમને લાગે છે કે ત્યાં બરફના અંશ હોઈ શકે છે, જે ઑક્સિજન, પાણી અને હાઇડ્રોજન બનાવવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે.
 
ચીન માટે ચાંગ’ઈ-6 અભિયાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે આ અભિયાનથી ચીન પોતાના પ્રતિસ્પર્ધી અમેરિકાને પડકાર આપી શકે છે.
 
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચાંગ’ઈ-6 અભિયાનના કમાન્ડ સેન્ટરના લોકોને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. જિનપિંગે કહ્યું મને આશા છે કે તમે અવકાશમાં આપણાં અભિયાનો ચાલુ રાખશો.
 
જિનપિંગ ઉમેર્યું કે મને આશા છે કે વૈજ્ઞાનિકો અવકાશમાં સંશોધનો ચાલુ રાખશે અને બ્રહ્માંડના ભેદને ઉકેલવામાં નવી સફળતાઓ મેળવશે અને માનવતાને લાભ પહોંચાડશે. આ સાથે જ તેઓ રાષ્ટ્રને પણ આગળ વધારશે.
 
ચાંગ’ઈ-6 મિશનને મે મહિનાની શરૂઆતમાં એક અંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનું લક્ષ્ય ચંદ્રના દૂરના વિસ્તારોમાંથી દુર્લભ પથ્થરો અને માટીના નમૂના એકઠા કરવાનું હતું.
 
ચીનનું આ અવકાશયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિન ભાગ પર લેન્ડિંગ કર્યું હતું. આ ભાગને પૃથ્વી પરથી જોઈ શકાતો નથી.
 
સ્કૉટલૅન્ડના શાહી ખગોળશાસ્ત્રી કૅથરીન હેમૅન્સે આશા વ્યકત કરી છે કે આ નમૂનાનો ઉપયોગ ખગોળ અને ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું પરીક્ષણ કરવા માટે થશે કે 4.5 અબજ વર્ષો પહેલાં ચંદ્ર કેવી રીતે બન્યો અને શું તે પૃથ્વીના ખૂબ જ પ્રારંભિક સમયમાં થયેલી અથડામણને કારણે બન્યો હતો?
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર