Amazon અને USના ટોપ CEOs સાથે મોદીની મુલાકાત, ભારતમાં ઈન્વેસ્ટમેંટનુ વચન આપ્યુ

બુધવાર, 8 જૂન 2016 (11:13 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા યાત્રાની મુલાકાતના બીજા દિવસે યુએસ-ઇન્ડિયા બીઝનેસ કાઉન્સીલમાં પહોંચ્યા હતા ત્યાં પેપ્સીકોની ઇન્દિરા નૂઇથી લઇને એમેઝોનના જેફ બેજોસ સુધીના અમેરિકાના ટોચના 25 સીઇઓ હાજર રહ્યા હતા. 15 જેટલા સાંસદો પણ પહોંચ્યા હતા. મોદીએ તેમને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ અને બીઝનેસ માટે તૈયાર થયેલા સારા માહોલ અંગે જણાવ્યુ હતુ. આ મીટીંગ બાદ બીઝનેસ કાઉન્સીલે કહ્યુ હતુ કે, અમેરિકી કંપનીઓ આવતા ત્રણ વર્ષમાં ભારતમાં ૪પ અબજ ડોલર એટલે કે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
 
   આ કાઉન્સીલની બેઠકમાં ભારત-અમેરિકા બિઝનેસ સંબંધો અંગે ચર્ચા થઇ હતી. આ પ્રસંગે મોદીએ કહ્યુ હતુ કે, ભારતનું અર્થતંત્ર મજબુત છે અને વિશ્વની જરૂરીયાતોને પુરી કરવા માટે ટેલેન્ટ ધરાવતા વર્કફોર્સ અમારી પાસે છે. સીઇઓ માટે સોલાર એનર્જી અને ડીજીટલ ઇન્ડિયા જેવા સેકટરમાં તકો રહેલી છે. અમારી સરકાર સીઇઓના સુચન પર વિચાર કરશે અને સારૂ બિઝનેસ વાતાવરણ બનાવશે. પીએમએ કહ્યુ હતુ કે, જનધન યોજના હેઠળ 20 કરોડ ખાતા ખુલ્યા છે. આ આંકડો એટલો છે કે, અનેક દેશની વસ્તી પણ એટલી નથી.
 
   તેમણે કહ્યુ હતુ કે, ભારત એક માત્ર બજાર નથી, તે તેનાથી ઘણુ આગળ છે. અહી તમને ઉચ્ચ ગુણવતાવાળા સાયન્ટીફીક, એન્જીનીયરીંગ અને મેનેજરીયલ ટેલેન્ટ મળશે. મોદીએ ટ્રાન્સફોર્મ ઇન્ડિયા અંગે પણ જણાવ્યુ હતુ. દુનિયાની 1/6  વસ્તી સાથે જો ભારત ટ્રાન્સફોર્મ કરે તો દુનિયા પણ બદલી જશે. ટ્રાન્સફોર્મ ઇન્ડિયા ગરીબી દુર કરવા અને ભ્રષ્ટાચાર મીટાવવાનું મીશન છે.
 
   યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સીલના ચેરમેન અને સીસ્કો એકઝીકયુટીવ ચેરમેન જોન ચેમ્બર્સએ કહ્યુ હતુ કે, સપ્ટેમ્બર 2014માં જયારે મોદી અહી આવ્યા હતા તો અમારી કંપનીઓએ 41 અબજ ડોલરના રોકાણનું વચન આપ્યુ હતુ. આમાંથી 28 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ થઇ ગયુ છે. આવતા 3  વર્ષમાં અમારી કંપનીઓ 45 અબજ ડોલરનું રોકાણ કરશે. મોદી સાથે મુલાકાત કરવા માટે અમેરિકાના 20 સાંસદો આવ્યા હતા. તેમાં નેન્સી પેલોસી, અમી બેરા અને તુલસી ગાબર્ડનો સમાવેશ થાય છે

વેબદુનિયા પર વાંચો