અતિવૃષ્ટિનો ત્રાણ જેણે જીરવ્યો હ્પોય એ જ જાણે કે શું બચાવવું કે શું ન બચાવવું? ક્યાં જવું ને શું કરવું એની કંઈ ગતાગમ ન પડે અને આંખમાં આંસુ સાથે બે હાથ જોડી, ત્રીજું મસ્તક બનાવી મેઘરાજાને 'ખમૈયા' કરવાની પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ આરો નથી રહેતો. રસ્તા પર સડકો પર, આગગાડીન પાટા પર, ખેતરોમાં ને ઘરોમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી! આટલું બધુ પાણી જાય કયાં અને એને સમાવે કોણ? નદી, તળાવ, વાવ, સરોવર,-બધા જ જળાશયો હાઉસફુલ ! કાચાપોચા પાટીના બંધ કે પાળાનું તો ગજું જ નહિ કે ટક્કર ઝીલે! એમાંય જો એકાદ બંધ તૂટ્યો કે એકાદ નદી બે કિનારાના બંધન તોડી ગાંડીતૂર બની તો તો આવી બન્યું જ સમજો! અને જ્યાં ઘરોમાં, બંગલાઓમાં પાણી પ્રવેશવા માંડે ત્યાં કીમતી રાચરચીલું, ટીવી, ફ્રીજ, તિજોરી, અનાજ, કપડાં - આ બધુ બચાવવું કે જાન બચાવવો એની જ ભાંજગડ ઉભી થાય છે. 'જાન બચી તો લાખો પાયા'- એ ન્યાયે માનવી ઘરના છાપરે યા વૃક્ષની ડાળીએ ટિંગાઈને પાણી ઓસરવાની રાહ જુએ છે.