રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

શનિવાર, 9 નવેમ્બર 2024 (17:04 IST)
રિટાયરમેંટ સમયે એક મોટી રકમ મળે એવી ઘણા લોકોની મહેચ્છા હોય છે અને તે માટે લોકો વિવિધ સ્કીમમાં રોકાણ પણ કરતાં હોય છે, પરંતુ એક સ્કીમ એવી છે જ્યાં જો તમે દર મહિને નજીવું રોકાણ કરશો તો નિવૃત્તિ સમયે મોટી રકમ મળશે.
 
કરોડપતિ બનવું એ કોઈ રૉકેટ સાયન્સ નથી. તેના માટે તમારે માત્ર બચત અને રોકાણની સ્ટ્રૅટેજીને સમજવી પડશે. થોડો સંયમ રાખવો પડશે અને ધીરજ પણ રાખવી પડશે.
 
હજારો રૂપિયાનાં રોકાણથી કરોડપતિ બનવું હોય તો સમય તો લાગશે જ. હવે વાત આવે છે એ સ્કીમ કઈ છે જેમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા જમા કરીને તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.
 
તો આ સ્કીમ છે પીપીએફ એટલે કે પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ. જો તમે બિલકુલ જ સલામત રીતે રોકાણ કરીને નિવૃત્તિ સમયે મોટી મૂડી મેળવવા માગો છો તો પીપીએફ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
 
તો ચાલો જાણીએ કે પીપીએફમાં રોકાણ કેવી રીતે કરી શકાય અને તેનો ફાયદા શું છે?


પીપીએફમાં રોકાણ કેવી રીતે કરવું?
 
 
આ સૅવિંગની સાથે ટૅક્સ બચાવવાની સ્કીમ છે. એટલે કે ડબલ બોનાન્ઝા, કોઈ પણ ભારતીય નાગરિક તેમાં રોકાણ કરી શકે છે. ઓનલાઇન, કોઈ બૅન્ક અથવા પોસ્ટ ઑફિસમાં જઈને પીપીએફ ખાતું ખોલાવી શકે છે, જે માટે તમારે એક ફૉર્મ ભરવાનું રહે છે.
 
ફૉર્મની સાથે પાસપૉર્ટ સાઇઝનો ફોટો, પૅનકાર્ડ અને આધાર કાર્ડની કોપીની પણ જરૂર હોય છે. સૌથી સારી વાત એ છે કે પીપીએફ ઍકાઉન્ટ ખોલવા માટે ઉંમરની કોઈ મર્યાદા નથી અને કોઈ પણ ઉંમરની વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.
 
એક વર્ષમાં પીપીએફમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ખાતામાં જમા કરાયેલી રકમ પર ઇન્કમ ટૅક્સમાં બચતનો લાભ પણ તમે મેળવી શકો છો.
 
ભારત સરકાર દર ત્રણ મહિને પીપીએફ અને અન્ય બચત યોજનાઓ માટેના વ્યાજ દર જાહેર કરે છે. હાલમાં આ યોજના પર 7.1 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે.

 
હવે જો તમને નિવૃત્તિ સમયે અંદાજિત બે કરોડ રૂપિયાનું ફંડ જોઈએ તો તે માટે દર વર્ષે પીપીએફમાં દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. એટલે કે દર મહિને 12 હજાર 500 રૂપિયા. ત્યાર બાદ તમારે 5-5 વર્ષના બ્લૉકમાં પીપીએફ ખાતાને ચાર વખત ઍક્સ્ટેન્ડ કરાવવું પડશે.
 
આવી રીતે તમારા પીપીએફ અકાઉન્ટનો ગાળો કુલ 35 વર્ષનો થઈ જશે. 35 વર્ષમાં કુલ 52 લાખ 50 હજારના રોકાણ પર તમને ત્રણ ગણાથી પણ વધુ વ્યાજ મળશે અને તમારી પાકતી રકમ બે કરોડથી પણ વધુ હશે.
 
એટલે કે જો તમે 25 વર્ષની ઉંમરે પીપીએફમાં રોકાણ શરૂ કરી દો અને સતત 35 વર્ષ સુધી તેમાં રોકાણ ચાલુ રાખો તો 60 વર્ષની ઉંમરે તમારી નિવૃત્તિ સમયે તમારી પાસે બે કરોડ 32 લાખ રૂપિયાનું ફંડ હશે.






 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર