પર્યાવરણને નુકશાન પહોંચાડનારા પ્લાસ્ટિકના ઝંડાથી લઈને ઈયરબડ સુધી એક જુલાઈથી રોક લાગશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ તેના ઉત્પાદન, ભંડારણ, વિતરણ અને ઉપયોગ સાથે જોડાયેલ બધા પક્ષને નોટિસ આપી છે. 30 જૂન સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવા માટે જણાવ્યું હતું.
સરકાર દ્વારા અરજી ફગાવાઈ
સરકારે બેવરેજીસ કંપનીની વિનંતી ફગાવી દીધી છે. આ કારણે અબજો ડોલરની આ ઈન્ડસ્ટ્રી પ્રભાવિત થાય તેવું જોખમ સર્જાયું છે. દેશમાં જ્યુસ અને ડેરી પ્રોડક્ટ્સના નાના પેક્સની સાથે સ્ટ્રો આવતી હોય છે. દેશમાં તેનું વાર્ષિક વેચાણ 79 કરોડ ડોલરનું છે. આ ઈન્ડસ્ટ્રીની સંસ્થા Action Alliance for Recycling Beverage Cartons (AARC)ના ચીફ એક્ઝિક્યુટિવ પ્રીવણ અગ્રવાલે જણાવ્યું કે, તેઓ આ મામલે ચિંતિત છે કારણ કે, આ એવા સમયે લાગુ થવા જઈ રહ્યું છે જ્યારે દેશમાં ડિમાન્ડ ચરમસીમાએ હશે. તેના કારણે ગ્રાહકો અને બ્રાન્ડ માલિકોને મુશ્કેલી અનુભવાશે.
આવી સંસ્થાઓમાં પેપ્સિકો, કોકાકોલા, પાર્લે એગ્રો અને ડાબર જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ છે. આ સાથે જ ડેરી કંપનીઓ પણ સ્ટ્રોને પ્રતિબંધથી દૂર રાખવા માગણી કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે સ્ટ્રોનો કોઈ વિકલ્પ નથી. પર્યાવરણ મંત્રાલયે તેમની માગણી નકારી દઈને 6 એપ્રિલના મેમોમાં જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝે તેના વિકલ્પ તરફ જવું જોઈએ. આ માટે તેમને એક વર્ષનો સમય આપવામાં આવ્યો હતો.