ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.૨ નો વધારો તારીખ ૧ માર્ચ, ૨૦૨૨ થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૩૦ રહેશે, અમૂલ તાજાની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૨૪ અને અમૂલ શક્તિની કિંમત ૫૦૦ મિલી. દીઠ રૂા.૨૭ રહેશે. પ્રતિ લીટર રૂા.૨ નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં ૪% જેટલો વધારો સચૂવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે.
એ નોંધનીય છે કે છેલ્લા ૨ વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક ૪% નો જ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, જીસીએમએમએફ સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂા. ૩૫ થી રૂા. ૪૦ નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષ કરતા ૫% વધારે છે.