ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વડોદરા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.
અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે રેલવેની અવરજવર ઉપર પણ ભારે અસર પડી છે. અત્યાર સુધી કુલ 56 ટ્રેનોને રદ કરવામાં આવી છે.
ગુજરાતનાં સ્ટેટ રિલિફ કમિશનર અલોકકુમાર પાંડેએ કહ્યું, “છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં રેલવેની અવરજવર પર ભારે અસર પડી છે. ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના વડોદરા ડિવિઝનમાં. ત્રણ જગ્યાએ પૂષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાને કારણે મંગળવારે 56 ટ્રેનો રદ કરવી પડી છે. આ ઉપરાંત 43 ટ્રેનોના રૂટને બદલવામાં આવ્યા છે અને 15 ટ્રેનોને ટૂંકાવવામાં આવી છે. રદ કરેલી ટ્રેનોમાં રાજકોટ-મુંબઈ હાપા દૂરન્તો ઍક્સપ્રેસ, કર્ણાવતી ડબલ ડૅકર ટ્રેન, અમદાવાદ-હાવડા ઍક્સપ્રેસ, ગુજરાત સુપરફાસ્ટ ઍક્સપ્રેસ અને જામનગર હમસફર ઍક્સપ્રેસ સામેલ છે.”
27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ - ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી ઉપડશે, આમ આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.