જો તમે દરરોજ ચાંલ્લો લગાવતાં હશો તો તો તમને ક્યારે કેવો ચાંલ્લો શોભશે તેનું કોઈ જ ટેંશન નહી હોય. પરંતુ જે યુવતીઓ માત્ર પ્રસંગોપાત વખતે જ ચાંલ્લો લગાવે છે તેમને હંમેશા વિચારવું પડે છે કે તેમને કેવો ચાંલ્લો સારો લાગશે?
બિંદી લગાવતાં પહેલાં જો તમને એટલું ધ્યાન હોય કે તમારા ચહેરાનો આકાર કેવો છે તો તમારી અડધી મુશ્કેલી તો ત્યાંજ ઓછી થઈ જશે. તો આવો તેના વિશે તમને થોડીક જાણકારી આપીએ...
સૌ પ્રથમ કાચની સામે ઉભા રહી જાવ અને તમારા વાળને પાછળની સાઈડ બાંધી લો. હવે કાચ પર જે રીતનો ચહેરો તમને દેખાય છે તેની પર આઉટલાઈન કરી લો. હવે તમારે તે નક્કી કરવાનું છે કે તમારા ચહેરાના શેપને અનુરૂપ તમને કેવો ચાંલ્લો સારો લાગશે.
ગોળ ચહેરો : ગોળ ચહેરાની વિશેષતા એ છે કે તે જેટલો પહોળો હોય છે તેટલો જ લાંબો પણ હોય છે. આ ચહેરાનો સૌથી પહોળો ભાગ ગાલ હોય છે. આ ચહેરા માટે નાના અને લાંબા ચાંલ્લા સારા લાગે છે. આવી બિંદી ચહેરા પર એક અનોખી આભા છોડે છે. ગોળ ચહેરાવાળી યુવતીઓએ બર્ફીલા આકારનો પહોળો ચાંલ્લો લગાવવો જોઈએ.
લંબગોળ ચહેરો : આ ચહેરામાં માથુ અને દાઢી વધારે લાંબા હોય છે. ગાલના હાડકા થોડાક દબાયેલા હોય છે. ગાલના હાડકા થોડાક ઓછા પહોળા હોવાને લીધે ચહેરો સાંકળો અને સુંદર દેખાય છે. આ ચહેરા પર કોઈ પણ પ્રકારની બિંદી સારી લાગે છે. લંબગોળ ચહેરા પર વધારે પડતી ભારે બિંદી ન લગાવવી જોઈએ.
ચોરસ ચહેરો : આ ચહેરામાં માથાના અને ગાલના હાડકા એક સરખી રીતે પહોળા હોય છે. ગાલ અને હાડકાનો ભાગ એક જેટલો જ પહોળો હોય છે જેનાથી ચહેરો ચોરસ દેખાય છે. નાજુક, લાંબા, ગોળ અને ભારે ચાંલ્લા આ ચહેરાને વધારે આકર્ષક બનાવી દે છે.
ત્રિકોણ ચહેરો : આ ચહેરામાં જડબાના હાડકા માથાથી વધારે ફેલાયેલા હોય છે. ગાલના હાડકા ભ્રમરોના ઉપરના હાડકા કરતાં વધારે પહોળા હોય છે અને જડબાના હાડકા કરતાં સાંકળા હોય છે. મોટા આકારના ચાંલ્લા આ ચહેરાને યોગ્ય શેપ આપવામાં મદદ કરે છે. લાંબા અને નાના ચાંલ્લા હાડકાને સાંકળા દેખાડવામાં કોઈ ખાસ મદદ નથી કરતાં.