રાજ્યમાં પંચાયતની ચૂંટણી માટે 193 કંપનીઓ ફરજ પર તૈનાત રાખવામાં આવશે
શુક્રવાર, 27 નવેમ્બર 2015 (17:10 IST)
ગુજરાતમાં 29મી નવેમ્બરે યોજાનારા પંચાયત અને પાલિકાના મતદાન સમયે ઘર્ષણના બનાવોની શક્યતાને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની સલામતી કંપનીઓની મદદ માગી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં જિલ્લા પોલીસ અને રાજ્ય પોલીસના બંદોબસ્ત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ સુરક્ષા જવાનો તૈનાત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કંપનીઓ શનિવાર સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લામથકોએ પહોંચી જશે.
આ ચૂંટણી દરમિયાન ડી. વાય. એસ. પી.અને પી. આઇ. કક્ષાના કુલ 87 અધિકારીઓ, એ. એસ. આઇ, કોન્સ્ટેબલ તેમજ ફોરેસ્ટ ગાર્ડના કુલ 11029 અને હોમગાર્ડના કુલ 48800 જવાનો ફરજ બજાવશે. આ ઉપરાંત એસ. આર. પી. ની 117 કંપનીઓની સાથે મહિલા એસ. આર. પી. એફ. ની 3, આઇ. ટી. બી. પી. ની 10, બી. એસ. એફ. ની 20, સી. આર. પી .એફ. ની 13 અને આર. એ. એફ. ની 4 કંપનીઓ ફરજ બજાવશે.
આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આર. એ. સી. ની 6, આર. બી. ડબલ્યુ. એચ. જી. ની 5, એમ. એચ. ની 10, એમ.પી.ની 5 કંપનીઓ ફરજ બજાવશે. આમ, કુલ 193 કંપનીઓ રાજ્યમાં શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા સારૂ ફરજ પર તૈનાત રાખવામાં આવશે.
કાયદો અને વ્યવસ્થાના વિભાગના ડીજીપી પી પી પાંડેના જણાવ્યા અનુસાર હાલ સુધીમાં પરવાના વાળા કુલ 44,000 હથિયારો જમા લેવામાં આવ્યા છે, કુલ 97,542 વ્યક્તિઓની જરૂરી અટક્યાતી પગલાઓ અંતર્ગત અટકાયત કરવામાં આવી છે, શહેર અને જીલ્લામાં 4,145 ચેકપોસ્ટ હાલ કાર્યરત છે, જેમાં 50,55,184 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.