પ્રજાના સેવકની દયનીય સ્થિતિ: ગુજરાતના પૂર્વ ધારાસભ્યની કહાની સાંભળીને તમે હેરાન રહી જશો, નથી મળતું પેન્શન કે ભથ્થું

સોમવાર, 27 જૂન 2022 (10:36 IST)
પ્રજાના સેવકની દયનીય સ્થિતિ:  ઝૂંપડી જેવું ઘર અને બીપીએલ કાર્ડ જ એમનો અંતિમ આધાર, નથી મળતું પેન્શન કે ભથ્થું
 

તમે જોયું હશે કે આજકાલ સરપંચથી લઈને મંત્રી સુધી મોટા ભાગે બધા પાસે ગાડીઓ હોય છે. કોઈ નાની ગાડી ચલાવે છે, તો કોઈ પાસે મોંઘી લક્ઝરી કારો હોય છે. કેટલાક ધારાસભ્યોને લાખોની સેલેરી પેન્શન પણ ઓછી લાગી રહી છે, પરંતુ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ રાઠોડની કહાની સાંભળીને તમે હેરાન રહી જશો. તેમને ન તો પેન્શન મળી રહ્યું છે કે ન તો સરકાર તરફથી કોઈ ખાસ મદદ. સાબરકાંઠા જિલ્લાના નાનકડા ગામ ટેબડાના રહેવાસી જેઠાભાઇ રાઠોડે વર્ષ ૧૯૬૭માં ખેડબ્રહ્મા વિધાનસભામાં કોંગ્રેસ સામે અપક્ષ ઉમેદવાર તરીકે ૧૭ હજાર વોટથી જીત હાંસલ કરી હતી.
 
એ સમયે તેમણે સાઇકલ પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. લોકો કહે છે કે, જેઠાભાઇ રાઠોડ એ સમયે ખેડબ્રહ્માથી ગાંધીનગર સરકારી બસથી જ જતા હતા. ૫ વર્ષોમાં સ્થાનિક વિસ્તારો સહિત આખી વિધાનસભામાં સાઇકલથી મુસાફરી કરનારા આ ધારાસભ્ય જનતાના સુખ, દુઃખમાં ભાગીદાર બન્યા, છતા સરકાર તરફથી તેમને કોઈ મદદ મળી રહી નથી. પેન્શનને લઈને જેઠાભાઇ રાઠોડે કોર્ટ પાસે ન્યાય માંગ્યો. લાંબા સમય સુધી લડાઈ લડ્યા બાદ કોર્ટે તેમના પક્ષમાં ર્નિણય સંભળાવ્યો હતો. છતા પણ અત્યાર સુધી પેન્શન મળી રહ્યું નથી.
 
જેઠાભાઇ રાઠોડના ૫ પુત્ર અને તેમનો પરિવાર છે જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આખો પરિવાર બીપીએલ રાશનકાર્ડના સહારે પોતાનું જીવન વ્યતીત કરવા મજબૂર છે. લોકોનું કહેવું છે કે, જે ધારાસભ્યએ ખરાબ સમયમાં જનતાના આંસુ લૂંછ્યા, આજે તેમના આંસુ લૂંછનારું કોઈ નથી. હવે પરિવાર સરકારને વિનંતી કરી રહ્યું છે કે તેમની મદદ કરવામાં આવે. વર્તમાન સમયમાં સરપંચ પણ શાનદાર જિંદગી જીવે છે.
 
સ્વભાવે સેવાભાવી જેઠાભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકો માટે ખૂબ કામ કરેલું. ખાસ કરીને રસ્તા અને તળાવોના ખૂબ કામો કરાવેલા. એ જમાનામાં પોતે સાઇકલ પર ગામેગામ જતા અને લોકોના પ્રશ્નો જાણતા. સચિવાલય જવું હોય તો જી્‌ બસમાં મુસાફરી કરતા. દુર્ભાગ્ય કહો કે કંઇક બીજું, જમાનો બદલાતો ગયો જેના કારણે નેતાઓ અને મતદારો એમને ભૂલવા લાગ્યા. તેમણે કરેલી લોકસેવાનું ફળ એમને મળ્યું નહીં. ૫-૫ દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા જેઠાભાઈને બીપીએલ લાભાર્થી તરીકે જીવવાનો વારો આવ્યો.
 
પાંચ વર્ષની ટર્મ દરમિયાન એમણે હરામનો એક રૂપિયો પણ ભેગો ન કર્યો. નીતિ અને સિદ્ધાંતો પર જ જીવ્યા. વારસામાં મળેલું ઝૂંપડી જેવું ઘર અને બીપીએલ કાર્ડ જ એમનો અંતિમ આધાર બની રહ્યા. ૫ દીકરા આજે પણ મજુરી કરે છે, ને બધા ભેગા મળીને દિવસો વિતાવે છે. ૮૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ધારાસભ્યને પ્રમાણિક્તા પર જીવવાનો એમને સમાજે કેવો બદલો આપ્યો છે? અત્યારસુધી કોઈ સરકારે એમને સહાય નથી કરી કે નથી એમને પેન્શન મળે એવી કોઈ વ્યવસ્થા કરી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર