સોના અને હીરાના ઘરેણા, 1.5 કરોડની ગાડીની માલકિન છે રિવાબા જાડેજા

હેતલ કર્નલ

ગુરુવાર, 17 નવેમ્બર 2022 (11:11 IST)
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.
 
દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.
 
બંનેની મિલકત
એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું છે કે તેમની અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાની કુલ 97 કરોડની સંપત્તિ છે. રિવાબા પાસે 62.35 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 37.43 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ સિવાય જો તેમની ફેમિલી મૂવેબલ પ્રોપર્ટીની વાત કરીએ તો તે 26.25 કરોડ રૂપિયા છે. રવિન્દ્ર જાડેજા પાસે 33 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. જેમાં ખેતીની જમીન, કોમર્શિયલ પ્લોટ, રહેણાંક પ્લોટ અને તેમના આલીશાન મકાનનો સમાવેશ થાય છે.
 
રીવાબા પાસે 34.80 લાખની કિંમતનું સોનું
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પાસે પણ સોના, ચાંદી અને હીરાનો ખજાનો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે રીવાબા પાસે 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા, 14.80 લાખ રૂપિયાના હીરા અને 8 લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાસે 23.43 લાખની કિંમતના સોનાના દાગીના છે. આ સિવાય તેમની પાસે દોઢ કરોડ રૂપિયાની કિંમતના મોંઘા વાહનો છે. તમને જણાવી દઈએ કે 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર