શહેરી વિસ્તારની નબળી ગણાતી ૬૨ બેઠક જીતવા માટે કૉંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે
ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (15:24 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ૧૦૦ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસ દ્વારા કરાયેલા સર્વેમાં શહેરી વિસ્તારની ૬૨ બેઠક નબળી હોવાનો રિપોર્ટ આવતા હવે કૉંગ્રેસ દ્વારા શહેરી વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરીને યુવા મતદારોને આકર્ષવા સોશ્યલ મીડિયાનો સહારો લઈને પ્રચાર પર વધુ ભાર મુકવામાં આવશે. પ્રદેશના માળખામાં પણ યુવાનોની વધુ નિમણુકો કરવામાં આવશે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળીને પ્રદેશના માળખાનું વિસ્તૃતીકરણ અને આગામી ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા પર વધુ ભાર મુકવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કૉંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા જૂથની વિદાય બાદ હાઈ કમાન્ડે ગુજરાત પર વધુ ફોકસ કર્યું છે. બીજી બાજુ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના નિષ્ફળ રહેલા ખેલથી કૉંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એક બની ગયા છે. રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદ અને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ભાજપની રણનીતિને ખાળીને કૉંગ્રેસને જીતાડવા એડીચોટીનું જોર લગાવશે. જેમાં સૌ પ્રથમ બૂથ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરાશે. ગત ચૂંટણીમાં ૩૫ બેઠક એવી હતી.કે, કૉંગ્રેસે પાતળી બહુમતીથી ગુમાવી હતી. આ હાર માટે અપક્ષો જવાબદાર હતા. તેથી અપક્ષોને મેનેજ કરવા એક અલગ ટીમ તૈયાર કરાશે. એક ખાનગી એજન્સી દ્વારા ચૂંટણીનો સર્વે પણ કરાવવામાં આવ્યો છે. એમાં શહેરી વિસ્તારની ૬૨ બેઠકો કૉંગ્રેસ માટે નબળી હોવાનું કહેવાયું છે. એટલે શહેરી મતદારોને આકર્ષવા માટે ખાસ આયોજનો કરાશે. શહેરી યુવા મતદારોને આકર્ષવા માટે કૉંગ્રેસની યુવા પાંખને જવાબદારી સોંપાશે. નર્મદા યોજનાનું મોટાભાગનું કામ કૉંગ્રેસના તત્કાલિન શાસનમાં થયું હોવાની ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરાશે. અહેમદ પટેલ ગુજરાતમાં ધામા નાખીને પાટીદાર, ઠાકોર, દલિત સહિત વિવિધ સમાજોના આગેવાનોની વન ટુ વન બેઠકો બોલાવશે. પ્રચાર માટે સોશ્યલ મીડિયા પર વઘુ ધ્યાન અપાશે. સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને જ ઉમેદવારોની પસંદગી કરાશે. આમ કૉંગ્રેસ ચૂંટણીના મોડ પર આવી ગયું છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બુધવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પ્રદેશના માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. એક સપ્તાહમાં જ નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. તેમ જ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરતા જિલ્લા-તાલુકા લેવલે કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવશે.