ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદથી ઉત્તેજના વધી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને માત્ર ગુજરાતના લોકોની જ નહીં બલ્કે દેશના લોકોની તથા કેટલાક અન્ય દેશોની પણ નજર હતી. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનમાં આ ચૂંટણી યોજાઈ છે. ભાજપ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહ્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શાસક પક્ષની વિરુદ્ધમાં રહેલા તમામ પરિબળોનો લાભ ઉઠાવીને સત્તા પરિવર્તન માટે તમામ તાકાત લગાવી ચુકી છે. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સમુદાયના આંદોલન તથા સત્તા વિરોધી લહેર, જીએસટી, નોટબંધીને લઇને લોકોની નારાજગી જેવા તમામ મુદ્દા ભાજપની વિરુદ્ધમાં હોવા છતાં આવતીકાલે આ તમામ પરિબળોનો લાભ ઉઠાવી કોંગ્રેસે મતદારોને પોતાની તરફ કર્યા છે કે કેમ તે બાબત પુરવાર થશે. સત્તા પરિવર્તન કે સત્તા પુનરાવર્તનની બાબત ઉપર ચર્ચા જારી છે. આજે સોમવારના દિવસે 182 બેઠક ઉપર મેદાનમાં રહેલા કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયાના ભાવિનો પણ ફેંસલો થનાર છે.