ગુજરાતમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે

ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (14:53 IST)
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારોની જાહેરાત ભાજપનાં ઉમેદવારોની પસંદગી બાદ જ કરશે. ગુજરાત ચૂંટણીની સત્તાવાર જાહેરાત બુધવારે થઇ ત્યારે કોંગ્રેસ તેના ઉમેદવારોની પસંદગીમાં ઉતાવળે ના થાય તેની તકેદારી રાખી રહ્યું હોવાનું જાણવા મ‌ળ્યું છે. હાલમાં દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસી ટિકિટનાં દાવેદાર ઉમેદવારોની પ્રતિક્ષામાં વધારો થશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ૧થી ૩ નવેમ્બરની દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનું વલણ સ્પષ્ટ થયા બાદ ઉમેદવારોની સત્તાવાર જાહેરાતનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ ત્યાર બાદ બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ઉમેદવારોની જાહેરાત અંગે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણી પ્રચારમાં આંદોલનકારી યુવા નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને ગુજરાતના ‘પનોતા પુત્ર’ તરીકે પ્રોજેક્ટ કરશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ચાલી રહેલી સ્ક્રિનિંગ કમિટીની મિટીંગ દરમિયાન બુધવારે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરતાં હવે કોંગ્રેસ મોવડીમંડળે ભાજપના ઉમેદવારોની જાહેરાતમાં બાદ જ તેમના ઉમેદવારોનાં પત્તા ખોલવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના આ વલણ અંગે સૂત્રો કહે છે કે, રાજ્યમાં વ્યસનમુક્તિ-દારુબંધી અને યુવાનોને રોજગારી માટે આંદોલન ચલાવી રહેલાં મૂળ કોંગ્રેસી ગોત્રના અલ્પેશ ઠાકોરનો ધામધૂમપુર્વક કોંગ્રેસમાં પ્રવેશ થઈ ચૂક્યો છે. પરંતુ પાટીદાર અને દલિત આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવા અંગે પોતાના પત્તા ખોલ્યા નથી. ત્યારે કોંગ્રેસ આ બંને યુવા નેતાઓને વિચારવા માટે પૂરતો સમય આપવા માગે છે. સાથોસાથ ભાજપે પણ છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ-ગાંધીનગરમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા આરંભી હોવાથી કોંગ્રેસે પણ છેલ્લી ઘડી સુધી હોમવર્ક કરી લેવાનું વલણ અપનાવ્યું છે. દરમિયાન કોંગ્રેસની નબળાઈ ગણાતા શહેરી વિસ્તાર પર પણ કોંગ્રેસના નેતાઓએ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. શહેરી અને અર્ધશહેરી વિસ્તારની ૮૭ વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસને જીતાડવા માટેનું આયોજન થઈ રહ્યું છે. જે મુજબ શહેરી વિસ્તારની ૬૭ અને અર્ધ શહેરી વિસ્તારની ૨૦ બેઠકો પર બૂથ મેનેજમેન્ટથી માંડીને ચૂંટણી પ્રચાર, સ્થાનિક મુદ્દા, સરકારે પાંચ વર્ષમાં આપેલાં વચનો, આ વચનો પાળવામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દે ઝીણવટભર્યું હોમવર્ક કરવામાં આવ્યું છે. હાલમાં કોંગ્રેસ પાસે શહેરી વિસ્તારની ૮૭ બેઠકોમાંથી માત્ર ૪ બેઠકો છે. જેમાં અમદાવાદની દરિયાપુર અને દાણીલીમડા જ્યારે એક રાજકોટ અને એક સુરતની બેઠકનો સમાવેશ થાય છે. શહેરી બેઠકો જીતવા માટે વિદ્યાર્થી પાંખ-એનએસયુઆઈ અને મહિલા પાંખને પણ જોતરવાનું આયોજન છે. એવી જ રીતે મહિલા પાંખને ૨૪ જિલ્લા પંચાયતોની બેઠક દીઠ જવાબદારી સોંપવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર