અમિત શાહના 75 વર્ષના નિવેદનથી હવે ભાજપના નેતાઓમાં તહેવાર જેવો માહોલ
સોમવાર, 21 ઑગસ્ટ 2017 (13:09 IST)
ગુજરાતમાં ભાજપમાં જાણે હવે દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભોપાલમાં કરવામાં આવેલી જાહેરાતથી સ્પષ્ટ પણે એવું લાગી રહ્યું છે કે ભાજપના આધેડ વયના નેતાઓને હવે ચાંદી જ ચાંદી છે. અગાઉ પૂર્વ સીએમ આનંદીબેન પટેલને ઉંમરને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું પણ હવે તેમની ઉંમરના અનેક નેતાઓ ફરીપાછા માર્કેટમાં સક્રિય થઈ જશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભોપાલમાં એવું નિવેદન કર્યુ હતું કે 75 વર્ષથી વધુ વયના સભ્યો ચૂંટણી લડી શકે નહીં તેવો કોઇ પાર્ટીમાં નિયમ નથી, પાર્ટીમાં દરેક વ્યકિત ચૂંટણી લડી શકે છે.
એક સમયે વયને કારણે ટીકીટ કપાશે તેવું માની બેઠેલા ચાર ધારાસભ્યોએ તો પાર્ટી હુકમ કરે તો ચૂંટણી લડવા તૈયાર હોવાનું ખોખારીને કહ્યું હતું. શાહના આવા નિવેદન સાથે જ પાર્ટીમાં તેમની વિરૂધ્ધ ગણાતા આનંદીબેન માટે પણ ચૂંટણી લડવાનો માર્ગ ખુલ્લો થયો છે. 75 વર્ષ પુર્ણ કરનાર ગુજરાતમાંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરતા બે સાંસદો લાલકૃષ્ણ અડવાણી અને લીલાધર વાઘેલા છે. ધારાસભ્યોમાં ઘાટલોડિયા વિધાનસભામાંથી ચૂંટાનાર આનંદીબેન પટેલ, ઉંઝાના નારણભાઇ લલ્લુભાઇ પટેલ, સુરતના ઉધનાના નરોત્તમ પટેલની ઉંમર 75 વર્ષ પુરી થઇ ગઇ છે. જયારે 75 વર્ષ નજીક ગણાય તેવા રાજયકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને અમદાવાદના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, ગણદેવીના ધારાસભ્ય મંગુભાઇ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરુંનો સમાવેશ થાય છે.