મંગલ મૂર્તિ બાપ્પા મોરયાને ગણેશ ચતુર્થેના દિવસે ઢોલ નગારા સાથે નાચતા-ગાતા લાવીને ઘર-ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દસ દિવસ સુધી તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે.  બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને દસ દિવસ બાદ ખૂબ ધામધૂમથી ગણેશજીને વિસર્જીત કરવામાં આવે છે. આ વખતે બાપ્પાને વિસર્જીત કરવાનો દિવસ અનંત ચતુર્દશી 1 સપ્ટેમ્બરના રોજ છે. ગણેશ ચતુર્થીની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. પણ શુ આપ જાણો છો ગણેશજીનુ વિસર્જન કેમ કરવામાં આવે છે ? તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે. 
	 
	પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસ જીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે, ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિતરૂપે તમારી મદદ કરશે. ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી, ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે, તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. 
	 
	 ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનુ તાપમાન ખૂબ વધી ગયુ હતુ તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાય ગયા પછી તેમનુ શરીર અકડાય ગયુ અને શરીર પરથી માટી ખરવા માંડી.  ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો. 
	 
	કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી 
	તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જએ દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો.  ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનુ વિસર્જન કરવામાં આવે છે. 
	 
	ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયૂરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનુ આહ્વાન કર્યુ. સિંધુનો સંહાર કરવા માટે ગણેશજીએ મયૂર વાહન પસંદ કર્યુ અને છ ભુજાઓનો અવતાર ધારણ કર્યો. આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપ્પા મોરિયાના જયકારા સાથે કરે છે.