ઓલિમ્પિક આતંકવાદના નિશાને

વેબ દુનિયા

શુક્રવાર, 8 ઑગસ્ટ 2008 (14:38 IST)
બીજિંગ ખાતે આજે રાતે રમતના મહાકુંભ સમો 29મો ઓલિમ્પિક શરૂ થવાનો છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ કરી તબાહી મચાવી દેવાની આતંકી સંગઠન તુર્કીસ્તાન ઈસ્લામિક પાર્ટીએ ધમકી આપતાં દહેશત ફેલાઇ છે.

8 ઓગસ્ટનાં દિવસે એટલે કે ચીની માન્યતા મુજબ સૌથી શુભ દિવસે 29 મા ઓલિમ્પિકની શરૂઆત થવાની છે. તે પહેલાં આતંકીઓએ બસ, ટ્રેન અને ઓલિમ્પિક સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી છે.

આ અંગે તુર્કીસ્તાન ઈસ્લામિક પાર્ટીએ એક વિડીયો પણ બહાર પાડ્યું છે. જેમાં નાગરિકોને ઓલિમ્પિકનાં સમારોહમાં ભાગ ન લેવાની ચીમકી આપવામાં આવી છે. તેમજ ચીનનાં મુસલમાનોને આજના દિવસે ઘરની બહાર ન નીકળવા કહેવામાં આવ્યું છે.

અલ કાયદાનુ સમર્થન પ્રાપ્ત એવું આ સંગઠન ઉત્તરી ચીનમાં કાર્યરત છે. જે મુસ્લિમ બહુમતી ધરાવતાં ઝીંગઝીયાન રાજ્યમાં કામ કરી રહ્યું છે. આ સંગઠને તાજેતરમાં 16 પોલીસ જવાનોને ફુંકી દેવાની જવાબદારી પણ સ્વીકારી હતી.

આજે રાત્રે શરૂ થનારા ઓલિમ્પિકમાં 10 હજાર એથ્લીટો, હજારો દર્શકો અને 200 દેશોનાં નેતાઓ હાજર રહેશે. તેમાં કોન્ડોરીસા રાઈસથી લઈને ભારતનાં સોનિયા ગાંધી પણ હાજર રહેવાના છે. આ બધાની વચ્ચે ચીને સુરક્ષા વધારી દીધી છે.

વેબદુનિયા પર વાંચો