એક સફળ નેતા : મોરારજી દેસાઈ

P.R
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ કરી હતી. ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી.

1930માં જ્યારે મહાત્માં ગાંધીની આગેવાને હેઠળ ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે 'જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.'

શ્રી દેસાઈ આઝાદીની લડાઈ દરમિયાન ત્રણ વખત જેલમાં જઈ આવ્યા. તેઓ 1931માં ઓલ ઈંડિયા કોંગેસ કમીટીના સભ્ય બન્યા અને 1937 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી રહ્યા. જ્યારે કોંગ્રેસની પહેલી સરકારની ઓફિસ ખોલી ત્યારે શ્રી દેસાઈ તેઓ મહેસૂલ મંત્રી બન્યા.

શ્રી દેસાઈ ઈ.સ 1941માં મહાત્માં ગાંધી દ્વારા આયોજીત વ્યક્તિગત સત્યાગ્રહના આંદોલન દરમિયાન જેલમાં ગયા અને ફરી 1942માં 'ભારત છોડો' આંદોલન દરમિયાન પણ જેલમાં ગયા. તેમને 1945માં છોડવામાં આવ્યા. સ્ટેટ એસેમ્બલીની ચૂંટણી પછી તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી બન્યા. પોલીસ વહીવટ દરમિયાન તેમણે પોલીસ અને લોકો વચ્ચેના અવરોધો દૂર કર્યા અને લોકોની જાનમાલની રક્ષા માટે પોલીસ વહીવટને વધુ સહાનુભૂત બનાવ્યુ. તેઓ 1952માં બોમ્બેના ચીફ મિનિસ્ટર બન્યા.

તેમના વિચારો મુજબ જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી. ઈસ. 1952માં તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા જ્યારે કે 24 માર્ચ 1977ના રોજ તેઓ દેશના વડાપ્રધન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જીવન જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા.

મોરારજી દેસાઈ બહારથી કડક સ્વભાવના લાગતા હતા પરંતુ અંદરથી તેઓ દયાળુ હતા. તેમણે ગજરાબહેન નામની યુગતી સાથે લગ્ન કર્યા હતા. ગજરાબહેન તેમના માર્ગદર્શક હતા. તેમને પાંચ બાળકો હતા જેમાંથી એક છોકરો અને એક છોકરી જીવ્યા હતા. તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. તેમણે માદક સેવનનો વિરોધ કર્યો હતો. તેઓ ખાદી અને હિન્દીનો સતત આગ્રહ કરતા હતા.

શ્રી મોરારજી દેસાઈને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો.

આજે 29 ફેબ્રુઆરીએ તેમની 113મી જન્મજંયત્તિ નિમિત્તે ગુજરાતની જનતા તરફથી તેમને શ્રધ્ધાંજલિ.

વેબદુનિયા પર વાંચો