ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળ વધુ મોંઘાં થશે, પેટ્રોલ-ડીઝલ મોંઘાં થતાં ટ્રાન્સપોર્ટર્સે ભાડાંમાં 20 ટકાનો ભાવવધારો કર્યો

બુધવાર, 28 જુલાઈ 2021 (10:37 IST)
છેલ્લા ત્રણ માસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂપિયા 96.81 સુધી પહોંચ્યો છે. ત્યારે હવે શહેરના 1200 ટ્રાન્સપોર્ટરોએ પોતાનાં ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે. ટ્રાન્સપોર્ટરોએ કરેલા ભાવ વધારાનો બોજ ઇન્ડસ્ટ્રી હાલમાં સહન કરી શકે તેમ ન હોવાથી ઇન્ડસ્ટ્રી વધેલા ભાવ આપી રહી નથી, જેના કારણે ટ્રાન્સ્પોર્ટેશન વ્યવસાયની હાલત કફોડી બની છે. રો-મટીરિયલના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં હાલ વધારો કરવો બધાના માટે શકય નથી.

ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળફળાદી વધુ મોંઘાં બનશે. જોકે ઇન્ડસ્ટ્રી ટ્રાન્સપોટરોને વધેલા ભાવ આપવા તૈયાર નથી. રો મટીરિયલમાં થયેલા ભાવ વધારા અને લેબરમાં થયેલા વધારાને કારણે કામ-ધંધા પણ ઓછા મળી રહ્યા છે. આ અંગે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ હિતેન વસંતે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર બાદ સતત અઢી માસ કરતાં વધારે સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કમરતોડ વધારો થયો છે, જેના કારણે પરિવહન અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓની હાલત કફોડી બની રહી છે. પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે શહેરભરના ટ્રાન્સપોર્ટરોએ તેમના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કર્યો છે, પરંતુ હાલમાં ઇન્ડસ્ટ્રી આ ભાવમાં પણ ભાવ-તાલ કરાવી રહી છે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન વ્યવસાયની હાલત કફોડી બની ગઈ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર