ચાર રાજ્યમાં હારની સાથે-સાથે કોંગ્રેસ માટે લોકસભાની ૭ર બેઠકો પણ ગઇ..??
મંગળવાર, 10 ડિસેમ્બર 2013 (13:27 IST)
P.R
જે ચાર રાજ્યમાં કોંગ્રેસની ખૂબ જ ખરાબ હાર થઈ છે ત્યાં લોકસભાની કુલ ૭ર બેઠકો છે. કોંગ્રેસ કુલ ૩૩પ સીટો પર સત્તાથી બેદખલ છે. હવે આવા સંજોગોમાં કોંગ્રેસ સત્તાની ફાઇનલ મેચ કેવી રીતે જીતી શકશે? જો ર૦૧૪માં યોજાનાર લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિધાનસભા ચૂંટણીઓના આ પરિણામોની સમીક્ષા કરીએ તો કોંગ્રેસ માટે ખૂબ જ ધૂંધળી તસવીર છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હીની આ ચૂંટણીઓમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. છત્તીસગઢમાં તો કોંગ્રેસના ર૭ ધારાસભ્યોએ પોતાની ખુરશી ગુમાવી છે. આ ચાર રાજ્યમાં લોકસભાની કુલ ૭ર સીટો દાવ પર છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં કોંગ્રેસને આશા હતી કે તે ત્રીજી વાર ભાજપનો વિજયરથ રોકવામાં સફળ થશે, પરંતુ તેમ ન થઈ શક્યું.
શિવરાજસિંહ ચૌહાણના કરિશ્માથી ભાજપ અહીં હેટ્રિક બનાવવામાં સફળ થયો. આ હારથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હતાશ થયા, પરંતુ લોકસભા ચૂંટણીઓમાં તેમની શક્યતાઓ પણ સાવ ધૂંધળી બની છે. મોદીને પીએમપદના ઉમેદવાર બનાવીને લોકસભાની ચૂંટણીઓમાં પહેલેથી જ રાજકીય બઢત મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ પીએમપદના ઉમેદવાર જાહેર કરવામાં હજુ પણ દ્વિધામાં છે. પીએમપદના ઉમેદવાર જાહેર ન કર્યાનું પરિણામ ભોગવ્યા બાદ ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા આપતી વખતે સોનિયા ગાંધીએ સંકેત આપ્યા કે હવે તેઓ ખૂબ જ જલદી પીએમપદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. મધ્યપ્રદેશનાં પરિણામોને લોકસભા ચૂંટણીઓની નજરથી જોઇએ તો ર૯ સીટ પર હવે કોંગ્રેસની શક્યતાઓ બહુ ઘટી ગઈ છે. માત્ર કેટલાક દિગ્ગજ નેતાઓને છોડીએ તો અહીં કોંગ્રેસ માટે ખૂબ જ ઓછી શક્યતાઓ છે.
રાજસ્થાનની વાત કરીએ તો કોંગ્રેસને આશા હતી કે અહીં અશોક ગેહલોતની કેટલીક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ તેમને જરૃર મળશે, પરંતુ તેવું ન બન્યું. લોકસભાની અહીં રપ સીટો છે. જો મતદાતાઓનો આ જ મૂડ રહ્યો તો કોંગ્રેસ માટે સારા અણસાર નથી. રાજસ્થાનમાં ગેહલોતનો જાદુ તો ન જ ચાલ્યો, પરંતુ સોનિયા અને રાહુલની રેલીઓ પણ કંઈ ઉકાળી ન શકી. કોંગ્રેસને કમસે કમ છત્તીસગઢમાં તો સરકાર બનશે તેવી આશા હતી, પરંતુ તેમના હાથમાં નિરાશા લાગી. હાલના ર૭ ધારાસભ્યો જ ચૂંટણી હારી ગયા. લોકસભાની ૧૧ બેઠકોમાંથી અહીંથી કેન્દ્રીય પ્રધાન ચરણદાસ મહંત કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે. તેમને કમાન સોંપીને પાર્ટીને આશા હતી, પરંતુ નિરાશા હાથમાં લાગી. સૌથી દિલચસ્પ દિલ્હીની ચૂંટણીઓ રહી. લોકસભાની અહીં માત્ર સાત સીટ છે. પાર્ટીની જે દશા થઈ છે, તે જોતાં પાર્ટી ચિંતિત હોય તે માની શકાય છે.
કોંગ્રેસની હારથી એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે પાર્ટી જ્યાં કલ્યાણકારી યોજનાઓ છતાં પણ નિષ્ફળ રહી તો બીજી તરફ વિપક્ષની એન્ટિઇન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવવાનું પણ ચૂકી ગઈ. હાલની મોંઘવારી યુપીએ સરકારનાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ આ ચૂંટણીઓ પર ભારે પડી ગયા. આ પરિણામો કોંગ્રેસ માટે ખતરાની ઘંટી સમાન છે તો આત્મમંથન અને ચિંતનનો મોકો પણ છે. રાજકારણમાં બદલાઈ રહેલા નિયમો મુજબ પાર્ટીએ નવા રીતરિવાજોની સાથે લોકોના બદલતા મૂડ અને મિજાજને સમજવો પડશે. કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર અત્યારની હારના ગમમાંથી બહાર આવીને લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત બનવાનો છે. પાર્ટીએ નવી રણનીતિ તૈયાર કરવી પડશે. ગરીબ અને સામાન્ય પ્રજાના વિકાસ, અધિકારજન્ય કાયદાઓ, ફૂડ સિક્યોરિટી બિલ જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા ચૂંટણીમાં જીતવાની કોંગ્રેસની કોશિશ નિષ્ફળ સાબિત થઈ છે. આ ઉપરાંત મોદી અને સાંપ્રદાયિક ધ્રુવીકરણને લઇને પણ કોંગ્રેસે પોતાની રણનીતિ બદલવી પડશે. કોંગ્રેસની સામે હવે સૌથી મોટો પડકાર કદાચ લોકસભા ચૂંટણીઓ પહેલાં પાર્ટી વિરોધી માહોલ બદલવાનો અને લોકોના આક્રોશને ઘટાડવાનો છે. લોકોની અપેક્ષાઓ પર ખરા નહીં ઊતરવાની વાત ખુદ કોંગ્રેસ અધ્યક્ષાએ પણ સ્વીકારી છે. પાર્ટીએ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચવાની ઇમાનદાર કોશિશ કરવી પડશે. કોંગ્રેસ જાણે છે કે આગામી લોકસભા ચૂંટણી તે એકલાં જીતી નહીં શકે, આવામાં તેણે સાથી પક્ષો અને સમર્થક દળોને સાથે રાખવાં પડશે.