અમદાવાદમાં ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરતી ગેંગના ત્રાસથી યુવકનો આપઘાત, પોલીસે આખી ગેંગ ઝડપી

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (18:26 IST)
હાલમાં વીડિયો કોલ કરીને વર્ચ્યૂઅલ સેક્સની જાળમાં ફસાવીને લોકોને બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી પૈસા પડાવવાનું તેમજ પાર્ટ ટાઈમ જોબના નામે પૈસા ભરાવીન છેતરપિંડી આચરતાં મેવાતી ગેંગના સભ્યોની રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ આરોપીઓમાંથી બે આરોપીઓ એવા છે જેમણે અમદાવાદના વૃદ્ધ વેપારીને વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને 2.69 કરોડ પડાવી લીધા હતાં. શહેરમાં સોલા પોલીસે એવી ગેંગની ધરપકડ કરી છે જેણે ન્યૂડ વીડિયો બનાવીને યુવક પાસેથી આઠ લાખ પડાવ્યા હતાં અને વધુ પૈસા માટે માનસિક ત્રાસ આપતી હતી. જેને લઈને યુવકે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ગેંગ સામે મનુષ્ય સાઅપરાધનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
ધમકીઓથી કંટાળીને ઘરની ગેલેરીમાં ગળાફાંસો ખાધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મનોજ વડગામાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જ્યારે તે સાઈટ પર કડિયાકામના સુપરવાઈઝર તરીકે કામ અર્થે ગયેલ ત્યારે તેની પત્નીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ભાઈ ભાવિનભાઈને ઈલેક્ટ્રીકનો શોક લાગ્યો છે ઝડપથી ઘરે આવો. મનોજ વડગામા જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના ભાઈએ ગળેફાંસો ખાઈ લીધાના સમાચાર મળ્યા હતાં. મૃતક ભાવિનભાઈએ સાઈટ પરથી આવીને તેમની પત્નીને દરણું દળાવવા મોકલી હતી અને પોતે ગલેરેમાં સુતરના દોરાથી ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યાર બાદ તેમને તરત હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. તેમનું પીએમ પત્યા બાદ તેમના ફોન પર એક કોલ આવ્યો હતો. 
 
મૃતક ભાવિન પાસેથી 8 લાખથી વધુની રકમ પડાવી હતી
મનોજે ફોન રીસીવ કરતાં સામે વાળાએ કહ્યું હતું કે, હું યુટ્યુબ પર વીડિયો વાયરલ કરી રહ્યો છું. તેમ કહીને તેણે ફોન કાપી નાંખ્યો હતો. ત્યાર બાદ ફોન ચેક કરતાં તેમાં માલુમ પડ્યું હતું કે, એક છોકરીએ ન્યૂડ વીડિયો કોલ કરીને મૃતક ભાવિન પાસેથી 8 લાખથી વધુની રકમ પડાવી હતી. તેમજ સીબીઆઈના નામે ફોન કરીને વધુ પૈસા પડાવવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી. તેમજ ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યાર બાદ મનોજ વડગામાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 22 એપ્રિલે નોંધાયેલી આ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતાં આખી ગેંગને ઝડપી પાડી હતી અને તેમની સામે મનુષ્ય સાઅપરાધનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર