આ ઘટનાને પગલે બાળકીઓ ગભરાઈ જતાં પિકઅપ ગાડીમાંથી કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો. જેના પગલે ચાલકે બેલેન્સ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. સમગ્ર ગુજરાતને શર્મસાર કરી દે તેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી સામે આવી છે. સંખેડા તાલુકાના એક ગામની વિદ્યાર્થિનીઓ પાંચેક કિલોમીટર દૂર આવેલી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે દરરોજ જાય છે. ગઈકાલે સાંજે છ વિદ્યાર્થિનીઓ શાળાએથી છૂટી ચાલતા ઘરે જતી હતી. ત્યારે રસ્તામાં એક પિકઅપ ગાડી મળતા બાળકીઓ આ ગાડીમાં બેસી અને ઘરે જવા નીકળી હતી.
અગાઉથી જ આ ગાડીમાં પાંચ લોકો સવાર હતા. જેઓ નશામાં ચકચૂર હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.બાળકીઓ જેવી ગાડીમાં બેસીને થોડે દૂર પહોંચતાં જ પહેલાંથી અંદર સવાર પાંચ લોકોએ ચાલુ ગાડીએ બાળકીઓને છેડતી કરવાની શરૂઆત કરી હતી. જેને લઇને બાળકીઓ ગભરાઈ ગઈ હતી અને આજીજી કરી અને ગાડી ઊભી રાખવાની રજૂઆત કરી હતી. તેમ છતાં નરાધમોએ બાળકીઓના હાથ પકડી ખેંચવાની શરૂઆત કરતા બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી ગઈ હતી. જેમાં બાળકીઓને ઈજા થતાં નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બે બાળકીઓને વધુ ઈજા પહોંચતા બોડેલી રિફર કરાવામાં આવી હતી.બાળકીઓ ચાલુ ગાડીમાંથી કૂદી જતા ગાડીમાં સવાર લોકો ગભરાઈ ગયા અને ગાડી ફૂલ સ્પીડે હંકારી ગયા હતા. જેને લઈને પિકઅપ ગાડી પણ પલટી મારી ગઈ હતી.