IND vs SA : પ્રથમ વિજય સાથે જ વિશ્વ કપમાં ભારતે આ ભ્રમ ભાંગ્યા અને રેકૉર્ડ્સ બનાવ્યા

ગુરુવાર, 6 જૂન 2019 (09:53 IST)
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 50મો વન ડે વિજય મેળવ્યો છે અને વર્લ્ડ કપ 2019ના પોતાના અભિયાનના સફળ પ્રારંભ સાથે જ ભારતે નવા વિક્રમો સ્થાપિત કરી પરંપરાગત માન્યતાઓને તોડી છે. રોહિત શર્માની શાનદાર સદી અને એ અગાઉ યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે.
કૅપ્ટન તરીકે વિજયની કોહલીની અડધી સદી
 
રોહિત શર્માની સદી, ચહલની ચાર વિકેટ સહિત આ મૅચ ભારત માટે અનેક રીતે યાદગાર બની રહી હતી, કેમ કે કૅપ્ટન તરીકે વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાને 50મો વિજય અપાવ્યો હતો. આ સિદ્ધિ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોની સિવાય અન્ય કોઈ ભારતીય કૅપ્ટન હાંસલ કરી શક્યા નથી.
 
ભારતની જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે લોકો અમને કાગળ પર મજબૂત ટીમ તરીકે રજૂ કરે છે, પરંતુ આખરે તમારે જીત પ્રત્યે પ્રોફેશનલ થવું પડે છે અને મેદાનમાં બિલકુલ એ જ થયું.
ભારત પ્રારંભે નબળું એ માન્યતા તૂટી
 
વિશ્વ કપમાં ભારતના દેખાવની વાત કરીએ તો ભારત પ્રારંભે નબળું એ માન્યતા તૂટી છે. 2005 સિવાય વિશ્વ કપની શરૂઆતની મૅચોમાં ભારતનો દેખાવ ખૂબ સારો નથી રહ્યો. આ રીતે વિશ્વ કપની પ્રથમ મૅચમાં જીત અને તે પણ આફ્રિકા સામે તે ખૂબ મહત્ત્વની ગણાય. 
 
વળી, આ મેદાન દક્ષિણ આફ્રિકા માટે લકી ગણાતું હતું. આ મેદાન પર ભારત તેની અગાઉની બે મૅચો ઇંગ્લૅન્ડ સામે ખરાબ રીતે હારેલું છે અને એક માત્ર સારી જીત કૅન્યા સામે મેળવેલી હતી. આની સામે દક્ષિણ આફ્રિકા આ મેદાન પર ત્રણ મૅચ જીતેલું છે અને તે જે એક માત્ર મૅચ ઇંગ્લૅન્ડ સામે માત્ર બે રને હારેલું હતું.
 
આમ, ભારતે આ મેદાન તેના માટે અનલકી હોવાનો ભ્રમ પણ તોડી દીધો છે. ભારતની શક્તિ બૅટિંગમાં છે તેમ કહેવાતું હતું અને ઇંગ્લેન્ડની વિકેટો ઉપર ભારતના બૉલર્સની કસોટી થશે તેવી શંકા સેવાતી હતી.
 
વિરાટ કોહલીની ટીમના બૉલર્સે પ્રથમ જ મૅચમાં શાનદાર બૉલિંગ કરીને આ શંકા દૂર કરી દીધી હતી. બૅટિંગમાં રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેનું ફૉર્મ પરત મેળવી લેતી શાનદાર સદી ફટકારી તે કાબિલેદાદ છે જ પરંતુ તેની અગાઉ ભારતીય બૉલર્સે જીતનો પાયો નાંખી દીધો હતો.
 
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રૅન્ટ બ્રિજના વાદળછાયા હવામાન વચ્ચે આ નિર્ણય ભૂલભરેલો લાગતો હતો. અને આખરે, જસપ્રિત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે નિર્ણયને ખરેખર ખોટો પુરવાર કરી દીધો હતો.
 
મૅચ પછી એટલે જ કદાચ વિરાટ કોહલીએ કહ્યું કે જો અમે ટૉસ જીત્યા હોત તો અમે પ્રથમ બૅટિંગને બદલે ફિલ્ડિંગ જ પસંદ કરી હોત. બુમરાહે ચોથી ઓવરમાં જ હાશિમ અમલા જેવા આધારભૂત બૅટ્સમૅનને પેવેલિયન ભેગા કરીને 2019ના વર્લ્ડ કપમાં ભારતે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
 
અમલાની વિકેટના આઘાતમાંથી સાઉથ આફ્રિકા બહાર આવે તે પહેલાં તો બુમરાહે તેમને બીજો આંચકો આપ્યો હતો. આ વખતે ક્વિન્ટન ડી કૉક આઉટ થયો હતો. હવામાનનો ભરપૂર લાભ ઉઠાવીને બુમરાહે ટ્રૅન્ટ બ્રિજની સ્વિંગ લેતી વિકેટ ઉપર બંને બૅટ્સમૅનને સ્લિપમાં ઝડપાવી દીધા હતા.
 
વિરાટ કોહલીએ બૉલિંગમાં ચતુરાઈપૂર્વકના પરિવર્તન કર્યાં હતાં જેનો લાભ પણ થયો હતો. કુલદીપ યાદવ અને ચહલને બૉલિંગમાં લાવ્યા બાદ સાઉથ આફ્રિકાનું પતન થયું હતું. ભારતના તમામ બૉલર્સે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. વર્લ્ડ કપમાં પહેલી વાર રમી રહેલા સ્પિનર ચહલે 51 રનમાં ચાર વિકેટ ખેરવી હતી.
 
તો વન ડે કારકિર્દીની 50મી મેચ રમી રહેલા જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ફાળે બે-બે વિકેટ આવી હતી. 
જસપ્રિત બુમરાહે વન ડે મૅચમાં 50 વિકેટનો માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો. પ્રથમ બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં નવ વિકેટે 227 રનનો સામાન્ય કહી શકાય તેવો સ્કોર નોંધાવ્યો હતો જે ભારતે ખાસ મુશ્કેલી વિના 47.4 ઓવરમાં ચાર વિકેટે વટાવી દીધો હતો.
 
મૅચ જીતવા માટે 228 રનના લક્ષ્યાંક સામે રમતી ભારતીય ટીમે શિખર ધવનની વિકેટ તો સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ રોહિત શર્મા એક છેડે ટકી ગયો હતો. તેણે તેની વન-ડે કારકિર્દીની 23મી અને વર્લ્ડ કપની બીજી સદી નોંધાવી હતી.
 
રોહિતે 128 બોલમાં સદી પૂરી કર્યા બાદ 144 બોલમાં બે સિક્સર અને 13 બાઉન્ડ્રી સાથે અણનમ 122 રન ફટકાર્યા હતા. ઘોનીએ 34 રન ફટકારવા ઉપરાંત રોહિત સાથે 74 રન ઉમેર્યા હતા. ધવન આઠ અને કેપ્ટન વિરાટ કોહલી 18 રન નોંધાવીને આઉટ થઈ ગયા બાદ રોહિત શર્મા અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 85 રન ઉમેર્યા હતા. રાહુલે 26 રનનું યોગદાન આપ્યું હતું.
 
આમ ઓછા રનવાળી દેખાતી મૅચમાં ભારતે વિશ્વ કપની ગંભીરતા સમજી પ્રોફેશનલ બૅટિંગ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર