મહેસાણાથી વૈષ્ણવદેવી જવા સીધી ટ્રેન સેવા શરૂ

સોમવાર, 15 જુલાઈ 2019 (11:25 IST)
ઉત્તર ગુજરાતના પોશ કહેવાતા જિલ્લા મહેસાણાના નાગરિકોને હવે ઉત્તરભારત તરફ પ્રવાસ કરવા માટે અમદાવાદની વાટ પકડવાની જરૂર નથી. જિલ્લાના નાગરીકોને હવે ભાવનગરથી ઉધમપુર સુધીની જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ મળતાં હવે મહેસાણાથી વૈષ્ણવદેવી, જમ્મુ, ઉત્તરભારત જવા મુસાફરોને મહેસાણાથી સીધી ટ્રેન સુવિધાનો લાભ મળશે.અઠવાડિક આ ટ્રેન રવિવારે સવારે 11.11 વાગ્યે મહેસાણા રેલવે સ્ટેશન આવી પહોંચતા સાંસદ જુગલજી ઠાકોર સહિત આગેવાનોએ જન્મભૂમી ટ્રેનને આવકારીને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ ટ્રેન મહેસાણામાં બે મિનીટ ઉભી રહેશે.આ ઉપરાંત પાલનપુરમાં આ ટ્રેન બે મિનિટ ઊભી રહશે. ભાવનગરથી ઉધમપુર સુધીની જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવા વર્ષેથી માગણી હતી. અહીંયાથી ઘણા મુસાફરો જમ્મુતાવી,વૈષ્ણવદેવી જતા હોઇ મુસાફરોને અમદાવાદ જવુ પડતુ હતું અને ત્યાંથી ટ્રેન પકડીને વૈષ્ણદેવી જવુ પડતુ હતું.આ ટ્રેનને મહેસાણામાં સ્ટોપેજ અપાતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. મહેસાણામાં રવિવારે સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું.રેલવે સ્ટેશનના સુત્રોએ કહ્યુ કે, આ મુસાફર ટ્રેન ફસ્ટ, સેકન્ડ, થર્ડ એ.સી, સ્લીપર, જનરલ મળી 21 કોચ(ડબ્બા) સાથે દોડતી થઇ છે. મહેસાણામાં બે મિનિટના સ્ટોપેજ બાદ 11.13 વાગ્યે પ્રસ્થાન કરશે. જમ્મુતાવીથી વૈષ્ણવદેવી નજીક હોઇ મહેસાણાથી વૈષ્ણદેવી યાત્રાએ જતા મુસાફરો માટે આ ટ્રેનની સીધી સુવિધા ઉપલબ્ધ કરાતાં જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર