સોમવારે પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાશે. આ મૅચમાં પાકિસ્તાનનો વિજય થાય અને રન-રૅટ ભારતીય ટીમની તરફેણમાં રહે, તો ભારતનું વર્લ્ડકપ અભિયાન ચાલુ રહેશે. બીજી બાજુ ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયાની ટીમે સેમિ-ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
આ સિવાય સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન તાહિલા મૅકગ્રાથે 32 અને ઍલિસ પેરીએ પણ 32 રન ફટકાર્યાં હતાં. ભારત તરફથી રેણુકા સિંહ અને દિપ્તી શર્માએ બે-બે વિકેટો ખેરવી હતી, જ્યારે પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ અને શ્રેયાંકા પાટિલે એક-એક વિકેટો લીધી હતી.
ભારતે વિજય માટે 152 રન કરવાના હતા, પરંતુ 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવીને 142 રન જ બનાવી શક્યું હતું, આમ ભારતનો નવ રને પરાજય થયો છે.
ભારત તરફથી કૅપ્ટન હરમનપ્રીત કૌરે 47 બૉલમાં અણનમ 54 રન ફટકાર્યાં હતાં. આ સિવાય દિપ્તી શર્મા (29) અને શેફાલી વર્માએ (20) રનનો ફાળો આપ્યો હતો. ઍનાબૅલ સધરલૅન્ડે 22 રન આપીને બે તથા સૉફી મૉલિનક્સે 32 રન આપીને બે વિકેટ લીધી હતી. ભારતનાં ત્રણ બલ્લેબાજ રન-આઉટ થયાં હતાં. સૉફીને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યાં હતાં.