ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ એક ઈનિંગ અને 141 રને જીતી લીધી છે. રવિચંદ્રન અશ્વિનની કિલર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે આ મેચ જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 271 રનની લીડ બનાવી લીધી હતી પરંતુ વિન્ડીઝની ટીમ બીજા દાવમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી. અશ્વિને પ્રથમ દાવમાં 5 વિકેટ અને બીજી ઈનિંગમાં 7 વિકેટ લઈને તેની 34મી પાંચ વિકેટ ઝડપી હતી.
આ મેચમાં રવિચંદ્રન અશ્વિને કુલ 12 વિકેટ લીધી હતી. અશ્વિને આઠમી વખત ટેસ્ટ મેચમાં 10 વિકેટના આંકડાને સ્પર્શ કર્યો. આ સાથે જ રવિન્દ્ર જાડેજાએ 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોની સામે કેરેબિયન બેટ્સમેનો ક્યાંય ઉભા રહેતા જોવા મળ્યા ન હતા. પ્રથમ દાવમાં કેરેબિયન ટીમ ટોસ જીતીને પ્રથમ રમવા ઉતરી અને માત્ર 150 રનમાં સમેટાઈ ગઈ. બીજા દાવમાં ટીમ આ આંકડાને પણ સ્પર્શી શકી નહોતી. હવે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.
યશસ્વી જયસ્વાલે યાદગાર ઇનિંગ રમી હતી
આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી તો યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં યાદગાર ઇનિંગ રમી. જયસ્વાલે 171 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ ટેસ્ટમાં ત્રીજો સૌથી વધુ સ્કોરર બન્યો. આ પ્રદર્શન માટે તેને તેની ડેબ્યૂ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ પણ 103 રન બનાવીને આ વર્ષની ત્રીજી સદી ફટકારી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ પણ 76 રન બનાવ્યા હતા પરંતુ તે સદી ચૂકી ગયો હતો. શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની બેટિંગ ચિંતાનો વિષય રહી છે પરંતુ તેમની પાસે પોતાને સાબિત કરવા માટે હજુ બીજી ટેસ્ટ મેચ બાકી છે.