ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે જીત બાદ કેએલ રાહુલના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે આપણે સોશ્યલ મીડિયાના યુગમાં જીવીએ છીએ અને અહીં લોકો ઉતાવળમાં જ ગભરાટ અને અવિશ્વાસનુ બટન દબાવી દે છે. તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા માટે મેદાન પર રમવા માટે શ્રેષ્ઠ ટીમ કઇ છે. જ્યારે તમે આજે કેએલ રાહુલને બેટિંગ કરતા જોયો હોય તો તમે તેના જેવા ખેલાડીને મેદાનની બહાર રાખવાનુ વિચારી પણ નથી શકતા.
કોહલીએ રાહુલની પ્રશંસા કરતા કહ્યું કે પાંચમાં નંબર પર બેટિંગ કરવી અને તે ટીમની જેમ બેટિંગ કરવી તે આંતરરાષ્ટ્રીય સ્તરે તે ચોક્કસપણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. આ ઇનિંગ્સે તેની પરિપક્વતા અને કદ વધાર્યુ. આપણે જાણીએ છીએ કે ડ્રેસિંગ રૂમમાં આપણે શું કરી રહ્યા છીએ. મેદાનની બહાર ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ અમે તેના પર ધ્યાન આપતા નથી.
તેમણે કહ્યું કે ત્રીજા નંબરે બેટિંગ કરવું સારું હતું, મને આનંદ છે કે તેણે ટીમને મદદ કરી. શિખર ધવન વન-ડે ફોર્મેટમાં સતત અમારા માટે સારું કામ કરી રહ્યા છે. મને આનંદ છે કે તેઓએ રન બનાવ્યા. રોહિત જ્યારે પણ રન કરે ત્યારે ટીમ માટે હંમેશાં સારુ જ રહે છે.
મેન ઓફ ધ મેચ કે.એલ. રાહુલે કહ્યું કે તેને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવામાં આનંદ આવે છે. બેટિંગનો ક્રમ નીચે આવવા ઉપરાંત રાહુલે આ મેચમાં વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી હતી. તેમણે કહ્યું હતું કે હું આનાથી વધુ સારી શરૂઆતની અપેક્ષા કરી શકતો નથી. દરરોજ મને વિવિધ ભૂમિકાઓ અથવા જવાબદારીઓ સોંપવામાં આવી છે અને હવે હું તેનો આનંદ લઈ રહ્યો છું.