ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર
ગુરુવાર, 4 જાન્યુઆરી 2018 (15:41 IST)
એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણની પડતી ચાલી રહી છે.અગાઉ રણજી ટ્રોફી માટે વડોદરાની ટીમમાં નહી સમાવાયેલા ઈરફાન પઠાણને હવે વડોદરાની ટી ૨૦ ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. ખરાબ ફોર્મ કે આંતરિક રાજકારણ જવાબદાર? મુનાફ પટેલનો પણ પસંદગીકારોએ સમાવેશ ના કર્યો. બરોડા ક્રિકેટ એસોસિએશનની પસંદગીકારોએ ઈરફાન પઠાણને રાજકોટમાં રમાનારી વેસ્ટ ઝોનની સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટુર્નામેન્ટ માટે વડોદરાની ટીમમાં સામેલ કર્યો નથી.
૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વિજેતા બનેલી ભારતીય ટીમના સભ્ય ઈરફાન પઠાણને પસંદગીકારોએ વેસ્ટ ઝોનની ટી ૨૦ ટુર્નામેન્ટ માટે પણ પસંદ નહી કરતા ક્રિકેટ જગતમાં હલચલ મચી છે.પસંદગીકારોએ ઈરફાનના ખરાબ ફોર્મનુ કારણ આગળ ધર્યુ છે તો ઈરફાનની તરફેણ કરનારા જુથે બીસીએના આતંરિક રાજકારણને હકાલપટ્ટી માટે જવાબદાર ઠેરવ્યુ છે. ઈરફાનની સાથે સાથે ટીમ ઈન્ડિયાના એક સમયના ફાસ્ટ બોલર મુનાફ પટેલને પણ ટી ૨૦માં સ્થાન અપાયુ નથી.તેની સામે એક જ ઓવરમાં ઉપરા છાપરી વાઈડ ફેંકનાર બોલરને સમાવાયો છે તેવુ પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે