T20 World Cup 2022: ભારત-પાકિસ્તાનની આજની મૅચ કોની હશે? સૂર્યકુમાર, શાહિન આફ્રીદી કે વરસાદ?

રવિવાર, 23 ઑક્ટોબર 2022 (09:32 IST)
ટી-20 વર્લ્ડ કપમાં 23 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફરી એક વખત ભારતની સામે પાકિસ્તાનની ટીમ હશે.
 
બન્ને ટીમોના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ, શાહિન આફ્રિદી, સૂર્યકુમાર યાદવ આ મૅચનું પરિણામ બદલી શકનારા ખેલાડીઓ ઉપરાંત એક બીજું એક પરિબળ બની રહેશે વરસાદ.
 
મૅલબૉર્નમાં આજે વાદળછાયુ હવાાન રહેવાનું છે અને વરસાદની સંભાવનાઓ પણ પ્રબળ છે. પરંપરાગત કટ્ટર હરિફ ગણાતી આ ટીમો વચ્ચે છેલ્લે એશિયા કપમાં બે મૅચ રમાઈ હતી જેમાં એકમાં ભારત અને બીજીમાં પાકિસ્તાનની જીત થઈ હતી.
 
ભારતે પહેલી મૅચ બે બૉલ બાકી રહ્યા હતા ત્યારે જીતી હતી અને પાકિસ્તાને બીજી મૅચ એક બૉલ બાકી રહ્યો ત્યારે જીતી હતી.
 
ભારતે રમેલી તાજેતરની 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મળી હતી.
 
પાકિસ્તાને પણ છેલ્લે રમેલી 5 ટી-20 મૅચમાંથી 4 મૅચમાં જીત અને એક મૅચમાં હાર મેળવી હતી.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મૅચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
 
સ્થિતિ એવી છે કે વર્ષ 2012-13થી અત્યાર સુધી બંને ટીમો વચ્ચે એકપણ સિરીઝ થઈ નથી પરંતુ આઈસીસીની ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મૅચો યોજાતી રહે છે.
 
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મૅચમાં ફરી એક વખત લોકોની નજર બાબર આઝમ અને વિરાટ કોહલી પર ટકેલી હશે. બાબર આઝમ એશિયા કપની બંને મૅચોમાં કંઇ ખાસ કરી શક્યા નથી.
 
એશિયા કપ અગાઉ તેઓ તાબડતોડ બેટિંગ કરી રહ્યા હતા.
 
ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં તેઓ સતત રન ફટકારી રહ્યા હતા. આ વર્ષે જ જુલાઈમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી 10 હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બાબરે પોતાના નામે કર્યો હતો. બાબરે આ રૅકોર્ડ 228 ઇનિંગ્સમાં બનાવ્યો છે.
 
તેમના પહેલા આ રૅકોર્ડ પાકિસ્તાનના જ ખેલાડી જાવેદ મિયાદાદના નામે હતો. તેમણે 248 ઇનિંગ્સમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો.
 
બાબર આઝમે જ વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીની બાદશાહતનો ખાતમો કર્યો હતો.
 
ઑગસ્ટ 2017થી ઍપ્રિલ 2021 વચ્ચે વિરાટ કોહલી નિસંદેહ વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓમાંના એક હતા પરંતુ આઈસીસી વર્લ્ડ રૅન્કિંગમાં તેમની 1258 દિવસની બાદશાહતને બાબર આઝમે જ ખતમ કરી હતી.
 
હાલમાં વિરાટ કોહલી પોતાનું ફોર્મ હાંસલ કરવા માટે મથી રહ્યા છે અને તાજેતરની મૅચોમાં લાગી રહ્યુ છે કે તેમણે ફોર્મ પાછું મેળવી લીધું છે.
 
બાબર આઝમે જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું ત્યારે વિરાટ કોહલી 150થી વધુ વન-ડે રમી ચૂક્યા હતા અને 20થી વધુ સદી તેમના નામે હતી પરંતુ સમય સાથે બાબર તેમનાંથી આગળ નીકળી ગયા.
 
2022માં બાબર આઝમે સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરવાનો રૅકોર્ડ બનાવ્યો હતો. તેમણે 47 મૅચોમાં આ રૅકોર્ડ સર્જ્યો હતો. જ્યારે કોહલી 56 મૅચો બાદ આ મુકામે પહોંચ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર