પાટણ તાલુકાના ૨૧ અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં તળાવો છલકાયા

બુધવાર, 24 માર્ચ 2021 (08:12 IST)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા અને લાખો પશુઓને પીવાનું પાણી મળે એ માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે. નર્મદાના નીર થકી ઉત્તર ગુજરાતમાં સુજલામ્ સુફલામ્ યોજના અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા તળાવો ભરવામાં આવે છે.
 
વિધાનસભા ખાતે પાટણ અને સિદ્ધપુર તાલુકાનાં તળાવોને પાઇપલાઇનથી ભરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં પાટણ તાલુકાનાં નવ ગામનાં ૨૧ તળાવોમાં ૧૬૪૦ MCFT  અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં ૧૫ તળાવોમાં ૨૦૫ MCFT નર્મદાના નીર આપીને ભરવામાં આવ્યા છે. 
 
તેમણે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના નીર સુજલામ્ સુફલામ્ યોજના પાઇપલાઇન દ્વારા ઉપાડીને તળાવો ભરવામાં આવે છે. જેમાં પાટણ તાલુકામાં માતપુર–ડીંડરોલ પાઇપલાઇન અને ખોરસમ સરસ્વતી, ખોરસમ માનપુર પાઇપલાઇન દ્વારા તથા સિદ્ધપુર તાલુકામાં માનપુર–ડીંડરોલ પાઇપલાઇનથી તળાવો ભરવામાં આવે છે. 
 
એટલું જ નહીં, વરસાદ વધુ હોય ત્યારે નર્મદા એસ્કેપ નીચેથી જે ૨૩ નદીઓ પસાર થાય છે તે નદીઓમાં પણ ચેકડેમ ખોલીને પાણી વહાવવામાં આવે છે. દરિયાકિનારા વિસ્તારમાં વરસાદી મીઠું પાણી દરિયામાં વહી ન જાય એ માટે સ્ક્રીનિંગ કેનાલ તૈયાર કરાઇ છે જેના દ્વારા અનેક કૂવાઓ રિચાર્જ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર