સુરતઃ કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:45 IST)
ભગવાન શ્રીરામ જ્યારે લંકા પહોંચવા સેતુ બાંધ્યો, તે સમયે નાનકડી ખિસકોલીએ પણ પોતાની રીતે યથા યોગ્ય સહયોગ આપી સેતુ નિર્માણમાં મહત્વની ભુમિકા અદા કરી હતી. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સપડાયું છે, ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ પોતાનું યોગદાન આપી રહ્યા છે.  કોરોનાકાળના પ્રારંભથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સેવાના અહોભાવ સાથે ૮૩૭ તબીબો અને ૬૦૯ નર્સ ૨૪ કલાક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ બજાવી કર્તવ્ય નિભાવી રહયા છે. ફરજ દરમિયાન  સિવિલના ૧૩૫ તબીબો અને ૯૨ નર્સો કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી ૧૨૫ તબીબો અને ૮૮ નર્સો કોરોને મ્હાત આપી, પોતાની ફરજમાં જોડાયા છે.
સિવિલના કોવિડ વોર્ડમાં પ્રધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવતા ડો.ટવીંકલ પટેલ દર્દીઓની સારવાર કરતાં તા.૮મી જુને કોરોના લક્ષણો જણાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સ્વસ્થ થઇ પુનઃ ફરજમાં જોડાયા છે. ધ્યેય વિશે જણાવતા ટિકલબેન કહે છે કે, હમણાં મારું એક જ ધ્યેય છે કે, ઇશ્વરે વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા કરવા  નિમિત બનાવી છે. મારા જેવા કેટલાય ડોક્ટરો, નર્સો, સફાઇકર્મચારી, વોર્ડબોય કોરોના દર્દીની સેવા કરતા સંક્રમિત થયા અને સ્વસ્થ  થઇ ફરજમાં જોડાયા છે.
 
નિવાસી તબીબ તરીકે ફરજ બજાવતા ડો.શ્વેતાનો ૪થી જુનના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ૧૭ દિવસની સારવાર બાદ કોરોના મુકત થઇ  ફરજ પર હાજર થયા હતા. તેઓ કહે છે કે,  કે, જબ તક કોરોના કા કહર શાંત નહી હોગા તબ તક હમ હિંમત નહી હારેગે ડોકટર કા કર્તવ્ય યહી હૈ. લોકોને સંદેશો આપતા તેઓ કહે છે કે, હમારી હેલ્થ હમારે હી હાથો મે હૈ. સૌ ડોકટરો કોરોનાની સામે લડત ચાલુ રાખીશું.
 
ડો.શાંભવી વર્મા કોરોનાને મ્હાત આપી ફરી દર્દીઓની સેવામાં કાર્યરત છે.  પીએમએસ ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડો. વર્મા  કહે છે કે,  પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ છે.  હું પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોના સંક્રમણના શિકાર થઈએ છીએ, ત્યારે આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્ય તંત્ર અને સરકારને સહકાર આપી  વૈશ્વિક મહામારીનો વ્યાપ રોકવા સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.
 
નવી સિવિલમાં જોઈએ તો ૫૩ સિનિયર રેસિડન્ટ ડોક્ટરો, ૩૭૬ જુનિયર રેસિડન્ટ ડોક્ટરો, ૮૪ નોન ક્લિનિકલ એક્ષપટ ડોક્ટર, ૧૦ માઇક્રો બોયોલોજીના, ૧૭૭ એક્ષપટ ક્લિનિકલક્ષેત્રના, ૧૩૭ ઈન્ટન ડોકટરો મળી ૮૩૭ ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાંથી ૧૩૫ ડોકટરો સંક્રમિત થયા હતા જે પૈકી ૧૨૫ કોરોનાને મ્હાત આપી ફરી પાછા ફરજ પર જોડાયા છે. 
 
જયારે ૧૦ ડોકટરો સારવાર લઈ રહ્યા છે. જયારે નર્સીંગ સ્ટાફની વાત કરીએ તો ૬૦૯ નર્સ પૈકી ૯૨ નર્સ કોરોના સંક્રમિત થઈ હતી તે પૈકી ૮૮ સ્વસ્થ થઈ ફરજ પર પરત ફર્યા છે. જયારે બે નર્સ સારવાર લઈ રહ્યા છે જયારે બે નર્સનું મૃત્યૃ થયું છે. આમ નવી સિવિલમાં છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન સતત કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં દિન રાત કાર્યરત ડોકટરોની સેવાને સલામ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર