PUBG અને LUDO સહિત 118 ઍપ્સ પર ભારતે પ્રતિબંધ કેમ મૂક્યો?
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (15:01 IST)
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ઍપ્સને ચાઇનીઝ ઍપ્સ નથી ગણાવવામાં આવી.
ભારત સરકારનું કહેવું છે કે દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતીય સંરક્ષણ, માટે જોખમ હોવાથી આ ઍપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભારત સરકારે અગાઉ આ જ વર્ષે જૂન મહિનામાં ચીન સાથે જોડાયેલી 59 ઍપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેમાં ટિકટૉક ઍપ પણ સામેલ હતી.
ચીનની 118 ઍપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે એક વખત ફરીથી લદ્દાખમાં એલએસી પર તણાવના સમાચાર આવી રહ્યા છે.
ભારતે ચીન પર આરોપ મૂક્યો છે કે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ પછી તણાવને દૂર કરવા માટે જે પ્રયાસો કરવામાં આવ્યા તેની વચ્ચે ચીને એક વખત ફરીથી એલએસીનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને નાકામયાબ કરી દેવામાં આવ્યો.
ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે મંગળવારે કહ્યું કે ચીને 29 અને 30 ઑગસ્ટની રાતે પેંગોંગ લૅકના સાઉથ બૅંક વિસ્તારમાં ભડકાવનારી સૈન્યપ્રવૃતિ કરીને યથાસ્થિતિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના બીજા દિવસે પણ આવી કાર્યવાહીને કામયાબ કરવામાં આવી.
જોકે ચીને આના નકારી કાઢતાં મંગળવારે ભારતને કહ્યું કે તે ઉકસાવનારી હરકતો બંધ કરે અને પોતાના તે સૈનિકોને પરત બોલાવે જેમણે ખોટી રીતે વાસ્તવિક નિયંત્રણ રેખા અથવા એલએસીનું અતિક્રમણ કર્યું છે.