ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાનો પુત્ર પ્રદ્યુમન 23 માર્ચે વિદેશ પ્રવાસ કરી મુંબઇથી સૂરત આવ્યો હતો. સૂરત આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન રહેવાને બદલે તે ગાંધીનગરમાં મંત્રી આવાસમાં તેના પિતાને ફાળવાયેલાં સરકારી બંગલે આવી ગયો હતો. એક મંત્રીના અંગત સ્ટાફના જણાવ્યા અનુસાર પ્રદ્યુમન ક્યારે ગાંધીનગર આવ્યો તેની કોઇને ખબર નથી અને મંત્રી વસાવાના બંગલામાં તમામ હિલચાલ પણ સામાન્ય જ હતી. કોઇ વ્યક્તિને અહીં ક્વોરન્ટીન હેઠળ રખાયાં હોય એવી કોઇ સૂચના દર્શાવતું પોસ્ટર પણ ન હતું. પ્રદ્યુમન હાલ ઘરે જ ક્વોરન્ટીન હેઠળ છે અને મંત્રી વસાવાના બંગલા પર નોટિસ ચોંટાડવામાં આવી હોવાનું ગાંધીનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર પી સી દવેએ જણાવ્યું હતું. જો કે પ્રદ્યુમન ક્યારથી ઘરમાં ક્વોરન્ટીન છે અને સૂચના ક્યારે લગાવવામાં આવી તેનો જવાબ સાંપડ્યો ન હતો.આ તરફ ગણપત વસાવાએ જણાવ્યું કે, પ્રદ્યુમન વિદેશથી મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો હતો અને ત્યાંથી સૂરત આવી સ્થાનિક આરોગ્યતંત્રની હેલ્પલાઇન પર ફોન કરી તેની વિગતો આપી હતી અને હવે તે ગાંધીનગરમાં હોમ ક્વોરન્ટાઇન રહેશે. સૂરતની યાદીમાં તેનું નામ શરતચૂકથી રહી ગયું હતું અને હવે તે હટાવી દેવાયું છે.