પ્રવિણ મારુને કોંગ્રેસી ધારસભ્યોએ "વેચાઉ માલ" કહેતાં ગૃહમાં હોબાળો

સોમવાર, 16 માર્ચ 2020 (15:13 IST)
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા આજે વિધાનસભા ગૃહ ગરમાયું છે. ગૃહમાં સત્ર શરૂ થતાની સાથે જ જેવો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ મારુએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તુરત કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના વિશે "વેચાઉ માલ" શબ્દપ્રયોગ કર્યો હતો. આનેપગલે હોબાળો મચ્યો હતો અને સામ-સામે બોલાચાલી થઇ હતી. જેને લઇને મંત્રીઓ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અકળાઈ ઉઠ્યા હતા. કોંગ્રેસના વેચાઉ માલના શબ્દપ્રયોગનો વિરોધ કરતાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, તમે તમારું ઘર સાચવો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કોંગ્રેસવાળા પોતાના ધારાસભ્યોને સાચવી શકતા નથી અને અમિત ચાવડા તો ગઇકાલ સુધી કહેતા હતા કે કોઇ ધારાસભ્યોની ચિંતા નથી. વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે આક્ષેપબાજી કરવામાં આવી છે. જે દરમિયાન ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમિત ચાવડાએ ગૃહમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના બંગલે 4 ધારાસબ્યો 65 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કહેતા હતા કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી. પરંતુ ગુજરાતના એક સમાચારપત્રમાં લખાયું છેકે 65 કરોડમાં સોદો થયો અને આ સોદો સીએમ હાઉસ ખાતે થયો હોય તો આ રૂપિયા આવ્યા ક્યાંથી તેનો જવાબ આપવામાં આવે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર