અર્ણવ ગોસ્વામી કેસ : જે મામલે ધરપકડ થઈ એ કેસ શું છે?
બુધવાર, 4 નવેમ્બર 2020 (18:10 IST)
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મુંબઈ પોલીસ રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક અર્ણવ ગોસ્વામીના ઘરે પહોંચી અને તેમને પોલીસવાનમાં બેસાડી પોતાની સાથે લઈ ગઈ છે. દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ મુંબઈ પોલીસે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનરની કથિત આત્મહત્યાના કેસમાં અર્ણવ ગોસ્વામીની ધરપકડ કરી છે. તેમની પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે.
આ મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ 11 વાગ્યે પત્રકારપરિષદ સંબોધી જેમાં તેમણે અર્ણવ ગોસ્વામીની ધરપકડ પોલીસે કાયદાનુસાર કરી હોવાનું કહ્યું હતું.
અર્ણવ ગોસ્વામીનો આરોપ છે કે મુંબઈ પોલીસે તેમની પોતાની સાથે, પત્ની તથા પુત્ર અને સાસુ-સસરા સાથે હાથા-પાઈ કરી.
રિપબ્લિક ચેનલના કેટલાક સ્ક્રિન શૉટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે જેમાં અર્ણવ ગોસ્વામીના ઘરે પોલીસ પહોંચી છે અને ઘરમાં અંદર પ્રવેશી રહી છે તથા માથાકૂટ થઈ હોય તેવા દૃશ્યો પણ તેમાં જોવા મળી રહ્યા છે. રિપબ્લિક ચેનલ પર ચાલી રહેલા દૃશ્યો મુજબ પોલીસ અર્ણવને પોલીસ વાનમાં બેસાડીને લઈ જઈ રહી છે. ચેનલનો દાવો છે કે અર્ણવ ગોસ્વામીને એ કેસમાં પકડવામાં આવ્યા છે જે કેસ પહેલા જ બંધ કરી દેવાયો છે.
રિપબ્લિક ટીવી પર ચાલતા દૃશ્યો મુજબ અર્ણવ એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે તેમના પુત્ર સાથે પોલીસે હાથા-પાઈ કરી અને સાસુ-સસરાને મળવા પણ નહીં દીધા.
તેઓ કહી રહ્યા છે, "મારી સાથે અને પરિવાર સાથે હાથા-પાઈ કરી છે. મારા પુત્ર સાથે હાથા-પાઈ કરી. મને મારવામાં આવ્યો, મારા પરિવારને માર માર્યો. હું જનતાને કહેવા માગુ છું કે મારી લડાઈમાં સહભાગી થાવ." જોકે, આ મામલે પોલીસનો પક્ષ હજી સામે આવ્યો નથી.
કોણે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, પોલીસે ઑવરરિએક્ટ કર્યું છે. અર્ણવે કહ્યું હતું કે મને પકડી જુઓ અને પોલીસે એવું કર્યું. આ અપરિપક્વ છે. કેસ બંધ થઈ ગયો છે અને જે રીતે કાર્યવાહી થઈ એ નિંદનીય છે. ચેનલ દ્વારા રાજ્ય સરકાર મામલેની ટિપ્પણીઓ પણ કારણભૂત હોઈ શકે છે. જો પોલીસ કમિશનરે આવું કર્યું હોય, તો એમણે એવું ન કરવું જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કૉંગ્રેસ અને તેના સહયોગીઓએ ફરી એક વાર લોકશાહીને લજવી છે. રિપબ્લિક ટીવ અને અર્ણવ ગોસ્વામી સામે રાજ્યની સત્તાનો સ્પષ્ટ દુરુપયોગ લોકશાહીના ચોથા સ્તંભ એવા પ્રેસની સ્વતંત્રતા પર હુમલો છે. આ કટોકટીના દિવસોની યાદ કરાવે છે. પ્રેસ પરનો આ હુમલાનો વિરોધ છે અને વિરોધ રહેશે.
ભારતના સૂચના અને પ્રસારણમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં પ્રેસની સ્વતંત્રતા પર થયેલા હુમલાને અમે વખોડીએ છીએ. પ્રેસ સાથે આવો વ્યવહાર ન થઈ શકે. આ ઘટના કટોકટીના દિવસોની યાદ અપાવે છે.
જોકે, શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસ પાસે પુરાવા હોય તો કોઈ પણ સામે કાર્યવાહી કરી શકે છે. મહારાષ્ટ્રમાં કાયદાનું પાલન થાય છે. ઠાકરે સરકાર આવી છે ત્યારથી કોઈ પણ સામે વેરઝેરની નીતિ સાથે કાર્યવાહીઓ નથી કરાઈ.
ઍડિટર્સ ગિલ્ડે અર્ણવ ગોસ્વામીની અચાનક ધરપકડની ટીકા કરી છે. અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને લઈને રાજ્ય સરકાર એમની સાથે કિન્નાખોરી ન રાખે એ માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે.
અર્ણવ ગોસ્વામીની ધરપકડને લઈને સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અભિવ્યક્તિની આઝાદી પર સ્ટેન્ડ નથી લઈ રહ્યાં તેવી વાત થઈ રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાનો મત આપ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું કે, તમે કઈ અભિવ્યક્તિની આઝાદી પર નિંદા કરો છો? ગુજરાતમાં મે સત્તા સામે અધિકારની માગ કરી તો મારા પર અલગ અલગ 32 ખોટાં કેસ કરવામાં આવ્યા, મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેવાતો, ગુજરાતની બહાર નથી જવા દેવામાં આવતા. શું આ બદલાની ભાવના નથી, મારી અભિવ્યક્તિની આઝાદીનું શું?
એમણે કહ્યું કે, બિનભાજપી રાજ્યમાં પોતાના પર આવે છે તો અભિવ્યક્તિની આઝાદી યાદ આવે છે. જ્યાં ભાજપનું રાજ છે ત્યાં અમારા જેવા યુવાનો સાથે જે થાય છે એના પર એક શબ્દ નથી બોલી શકતાં, કેમ ડર લાગે છે? ભેદભાવ તો તમે કરો છો અને અમારા જેવા નિર્દોષોએ ભોગવવું પડે છે.
5મી મે 2018ના રોજ અન્વય નાઇકે અલીબાગ પાસેના કાવીર ગામ ખાતે આવેલા તેમના ઘરે આત્મહત્યા કરી હતી. ત્યાંથી તેમનાં માતા કુમુદ નાઇકનો પણ મૃતદેહ મળ્યો હતો. અન્વય નાઇક વ્યવસાયે વાસ્તુવિશારદ હતા અને કૉન્કર્ડ ડિઝાઇન્સ લિમિટેડ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર પણ હતા.
અન્વય નાઇકની આત્મહત્યા બાદ મળી આવેલી ચિઠ્ઠીમાં પત્રકાર અર્ણવ ગોસ્વામી પર નાણાકીય ઉચાપતનો આરોપ મૂક્યો હતો.
એ પછી અન્વય નાઇકનાં પત્નીએ અલીબાગ પોલીસસ્ટેશન ખાતે અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. અન્વય નાઇકની કંપનીએ અર્ણવ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો. આ જ મામલે નાણાકીય ઉચાપત કરવાનો આરોપ મુકાયો છે. આ મામલે ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતાં 5મી મે 2020ના રોજ એટલે કે આત્મહત્યાના બે વર્ષે અક્ષતા નાઇકે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને ન્યાયની માગ કરી હતી.
એ વખતે કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ આ મુદ્દો ઉપાડ્યો હતો. આ વીડિયોની નોંધ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ લીધી હતી.