નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીની અયોધ્યા અને ભગવાન રામને લઈને કરવામાં આવેલ વાહિયાત ટિપ્પણી પર તેઓ પોતાના જ ઘરમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઓલીના નિવેદનની માત્ર સોશિયલ મીડિયા પર જ મજાક ઉડાવવામાં નથી આવી રહી, પરંતુ ઘણા મોટા નેતાઓએ પણ તેના વિશે વાંધો ઉઠાવ્યો છે. એટલુ જ નહી નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી) એ પણ ઓલીને ભારત વિરોધી નિવેદનોને લઈને ચેતવણી આપી દીધી છે. આવી સ્થિતિમાં તેમનું નિવેદન નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટને આગળ વધારવારું સાબિત થઈ શકે છે.
નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ દહલ કમલ પ્રચંડ પાર્ટીની બેઠક દરમિયાન ઓલીને જીભને કાબૂમાં રાખવાની સલાહ આપી ચૂક્યા છે. પ્રચંડે ઓલીની આકરી ટીકા કરી હતી જ્યારે તેમણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં બેસીને તેમને ખુરશીમાંથી હટાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. હવે ઓલીએ દાવો કર્યો છે કે ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યા બનાવી છે. જ્યારે, અસલી અયોધ્યા નેપાળમાં છે. ઓલીએ પૂછ્યું કે તે સમયે પરિવહન અને મોબાઈલ ફોન માટે કોઈ આધુનિક સાધન નહોતું, તો રામ જનકપુરમાં કેવી રીતે આવ્યા?
નેપાળના લેખક અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રમેશ નાથ પાંડેએ ટ્વીટ કર્યું છે કે, "ધર્મ રાજકારણ અને કૂટનીતિથી ઉપર છે. તે એક મોટો ભાવનાત્મક વિષય છે. અબૂઝ ભાવ આવી નિવેદનબાજીથી તમે માત્ર શરમ અનુભવી શકો છો. અને જો અસલી અયોધ્યા બિરગંજની પાસે છે તો પછી સરયુ નદી ક્યા છે ?
નેપાળના પૂર્વ વડા પ્રધાન બાબુ રામ ભટ્ટરાઈએ ઓલીના નિવેદન પર વ્યંગ્ય કર્યુ છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, "આદિ-કવિ ઓલી દ્વારા રચિત કળયુગની નવી રામાયણ સાંભળો, સીધી જ વૈકુંઠ ધામની યાત્રા કરો."
રાજીનામા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ
ઓલીના આવા નિવેદનો તેમના રાજીનામાથી ધ્યાન હટાવવાના પ્રયત્નો તરીકે પણ જોવામાં આવે છે. નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી બે ટુકડા થવાને આરે છે અને આવું ન થાય તે માટે પ્રખર સમર્થકોએ એવી જ શરત મુકી છે કે ઓલીએ રાજીનામું આપવું જોઈએ. જોકે સમાચાર મુજબ બજેટ સત્ર મુલતવી રાખ્યા બાદ હવે કેપી ઓલી અધ્યાદેશ લાવીને પાર્ટીને તોડી શકે છે.