ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટાચૂંટણીની તૈયારી શરૂ

સોમવાર, 15 જૂન 2020 (17:45 IST)
ગુજરાત વિધાનસભામાં આઠ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ આ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. વર્ષ 2017 બાદ પ્રથમ વખત એકસાથે મીની વિધાનસભા ચૂંટણીઓ યોજવામા આવે તે સંદર્ભે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો હોવાનુ ટોચના સુત્રોમાંથી જાણવા મળેલ છે.  કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયેલા આઠ ધારાસભ્યો માટે જો ભાજપ ટીકીટ આપે તો એસીડ ટેસ્ટ પુરવાર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત કાનૂની દાવપેચમાં ફસાયેલી અન્ય ચાર વિધાનસભા બેઠકોનુ કોર્ટનુ જજમેન્ટ આવી જાય તો તેની પણ ચૂંટણી સાથોસાથ યોજવામા આવે તેવા સંકેત કેન્દ્રીય ચૂંટણી પંચમાંથી મળી રહ્યા છે.  ગુજરાત રાજયની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે જે તે જિલ્લા કલેકટરોને સુચના આપી છે. આગોતરી તૈયારી શરૂ કરવા મતદારયાદી કાર્યક્રમ તેમજ મતદાન મથકોની યાદી નવી તૈયાર કરવા કામગીરી શરૂ કરવાની સુચના આપી છે. માર્ચ 2020માં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસમાંથી જે તે સમયે પાંચ વિધાનસભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. જેમાં ગઢડા બેઠકમાં પ્રવિણ મારૂ, અબડાસામાં પ્રધ્યુમનસિંહ જાડેજા, લીંબડીમાં સોમા ગાંડા પટેલ, ધારીમાં જે.વી.કવાડીયા અને ડાંગમાં મંગલ ગામીતનો સમાવેશ થયો હતો.  તાજેતરમાં રાજયસભાની ચાર બેઠકોની ચૂંટણી જાહેર થઈ અને 19 જુને મતદાન થનાર છે તે પૂર્વે કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી રાજીનામા ધરી દીધા છે જેમાં મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજા, ઠાસરામા અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત રાજયની આ આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજવા તૈયારીઓ કરવા જે તે જિલ્લા કલેકટરને સુચના આપી છે. આ સુચના સંદર્ભે મતદાર યાદીની નવી તૈયારીઓ મતદાન મથકો નવા તૈયાર કરવા માટે ચૂંટણી માટે સ્ટાફ, વોટીંગ મશીનો સહિતની આગોતરી તૈયારીઓ કરવા સુચના કરવામા આવી છે. આગામી ત્રણેક માસમાં ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી કરવામા આવે તેવા સંકેત કેન્દ્રીય ચૂંટણી પંચમાંથી મળી રહ્યા હોય ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ગરમાવો આવી ગયો છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર