રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ, વેપારીઓ સવારના 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે

ગુરુવાર, 20 મે 2021 (18:12 IST)
27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન
સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
લારી,ગલ્લા,વેપારીઓને મોટી રાહત

કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ બંધ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર