હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘ મહેર જોવા મળી રહી છે. ગુજરાત પર મેઘરાજા વિશેષ હેત વરસાવી રહ્યા છે. ત્યારે એક જ રાતમાં નવસારીના વાંસદામાં મનમૂકીને વરસ્યા હતા. વાંસદા તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 394 મિમી વરસાદ ખાબક્યો છે. વાંસદામાં 24 કલાકમાં 15.76 ઇંચ વરસાદ નોંધાયો હોવાથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
તો જિલ્લાના ખેરગામ તાલુકામાં પણ 229 મિમી એટલે 9.16 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે. આ કારણે નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જિલ્લામાં પૂરની સ્થિતિને જોતા બે NDRF ની ટીમ કાર્યરત કરાઈ છે. જિલ્લાની સ્થિતિને જોતા વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
અહીં સિઝનનો કુલ 26.25 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 16.55 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 37.92 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૨૪ કલાકમાં સરેરાશ 24.94 એમ.એમ. વરસાદ પડ્યો છે, અહીં સિઝનનો કુલ 47.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 73.48 ટકા વરસાદ પડ્યો છે.