રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે.SEBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.
લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા.૩૧ માર્ચ-ર૦ર૦ એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે. રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના અને SEBCના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST, SEBC જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે.