સોમવારે ૯૮,૭૪૫ યુવાનોનું વેક્સિનેશન કરાયું : અત્યાર સુધીમાં ૭,૮૨,૫૮૮ યુવાનોને વેક્સિન અપાઈ

મંગળવાર, 25 મે 2021 (10:05 IST)
૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની આ માટેની તાકીદના અનુસંધાને રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનાં વેક્સિનેશન માટે અત્યાર સુધીમાં ૫૨ કરોડના ખર્ચે ૧૬ લાખ ડોઝ ખરીદ્યા છે.
 
મુખ્યમંત્રી એ રાજ્યમાં ૧૦ શહેરોમાં હાલ ચાલી રહેલી ૧૮ થી ૪૪ વય જૂથના લોકોના રસીકરણમાં એક અઠવાડિયા સુધી  રોજના ૧ લાખ ડોઝ આપવાનો  નિર્ણય કર્યો છે.
 
રાજ્યમાં ૧૮ થી ૪૪ ની વય જૂથમાં રસીકરણ ઝડપથી અને વ્યાપકપણે થાય તેમજ  વધુને વધુ યુવાઓને  કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવા વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને એક સપ્તાહ સુધી ૧ લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે. એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.
 
ફ્રંટલાઈન વોરિયર્સ, ૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે,  હવે ૧૮ થી ૪૪ વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને  યુવાઓના આરોગ્યરક્ષા ક્ષેત્રે પણ દેશમાં  અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 
આજે સમગ્ર ગુજરાતમાં ૯૮,૭૪૫  યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. આ સાથે ગુજરાતમાં કુલ ૭,૮૨,૫૮૮ યુવાનોને વેક્સિન અપાઈ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર