અમદાવાદમાં છેલ્લા 20 મહિનાથી સી પ્લેનની સેવા બંધ, NSUIના કાર્યકરોએ નકલી પ્લેન ઉડાડીને વિરોધ કર્યો

બુધવાર, 20 જુલાઈ 2022 (14:10 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પહેલીવાર 2017માં અમદાવાદથી ધરોઈ સુધી સી-પ્લેનનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના લગભગ દોઢથી બે વર્ષ બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબર 2020થી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી.

પરંતુ છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા સી પ્લેનની સેવાને લઈ NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર રમકડાના વિમાન ઉડાડીને વિરોધ કર્યો હતો.અમદાવાદમાં NSUI દ્વારા આજે રિવર ફ્રન્ટ પર રામકડાના પ્લેન ઉડાવી સી પ્લેન બંધ હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.NSUI દ્વારા આક્ષેપ કરાયો છે કે કરોડો રૂપિયાના ખર્ચે સી પ્લેન શરૂ કરવામાં આવી હતી અને તેટલી ઝડપથી જ બંધ પણ કરી દેવાઈ છે. આશ્રમ રોડ વલ્લભસદન રિવર ફ્રન્ટ ખાતે NSUIના કાર્યકરોએ રમકડાના પ્લેન લાવી પાણીમાં ઉડાવ્યા હતા. આ પ્લેન ઉડાવી NSUIએ નારા સાથે સરકારનો વિરોધ પણ કર્યો હતો.NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે.શહેરમાં ખાડા અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે. છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી અમે આજે નકલી પ્લેન ઉડાવી વિરોધ કરી રહ્યા છીએ.રાજય સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ સી-પ્લેન છેલ્લા 20 મહિનાથી બંધ છે, ગત જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે,

હવે એપ્રિલ મહિનામાં સી-પ્લેન સેવા આપવા માટે કંપનીની પસંદગી થયા પછી જૂન મહિનામાં પુન: સી પ્લેન સેવા કાર્યરત કરાશે. પરંતુ જુલાઈ પણ પૂરો થવા આવ્યો હજી સુધી સી પ્લેનની સેવા શરૂ થઈ શકી નથી.આ ઉપરાંત ગત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં પણ રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉડાન યોજના અન્વયે સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમને જોડતી હવાઈ સેવા 2019માં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ આ સેવા હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તે ઉપરાંત જામનગરથી દિલ્હી, ગોવા અને હિંડનને જોડતી હવાઈ સેવા 2019માં શરૂ થવાની હતી જે હજી સુધી શરૂ કરાઈ નથી. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત સુધીની હવાઈ સેવા પણ શરૂ થઈ નથી. જ્યારે કેશોદથી મુંબઈને જોડતી હવાઈ સેવા પણ હજી શરૂ કરાઈ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર