આજે રેલ્‍વે બજેટ - આ વખતે શુ આપશે પ્રભુ,..રેલભાડામા રાહત ? નવી ટ્રેનો કે પછી ખિસ્સા પર વધુ ભાર ?

બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (23:56 IST)
રેલવે પ્રધાન સુરેશ પ્રભુ ગુરુવારે સંસદમાં વર્ષ 2016-17 માટેનું રેલવે બજેટ પ્રસ્તુત કરવાના છે. તે પૂર્વે મોટા ભાગના નાગરિકોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે પ્રભુ બજેટમાં ટ્રેનની ટિકિટનાં ભાડાં વધારશે કે એ ન વધારીને લોકોને રાહત આપશે?

જો કે બજેટમાં તેમણે નવી ટ્રેનોનું એલાન કર્યુ ન હતુ. આ વખતે તેઓ પ્રિમિયમ ટ્રેનોની સંખ્‍યામાં વધારો કરે તેવી શકયતા છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે રેલ્‍વે મુસાફરીને સુરક્ષિત કરવા, વિદ્યુતિકરણ, લાઇનનું વિસ્‍તૃતીકરણ અને યાર્ડ આધુનિકરણ માટે રકમમાં વધુ ફાળવણી થશે. મુસાફરોની સુખ અને સુવિધા માટે વધુ પગલાઓ લેવામાં આવશે. મુસાફરી ભાડામાં 10 ટકાના વધારાની સંભાવના છે. આ વખતે દરેક ટ્રેનમાં એક જનરલ કોચ વધારવાની જાહેરાત પણ થવાની શકયતા છે. એક ટ્રેનમાં કોચની સંખ્‍યા 24થી વધારીને 26 થશે. વડીલો અને બાળકોને ભાડામાં મળતી છુટ ઘટે તેવી શકયતા છે. અનેક પ્રકારની રાહતો પણ પાછી ખેંચાઇ તેવી શકયતા છે.

   રેલ્‍વે બજેટમાં રેલ્‍વે મંત્રી પ્રિમિયમ ટ્રેનોમાં વધારો કરે તેવી શકયતા છે. જે રીતે મહામના એકસપ્રેસ શરૂ કરવામાં આવી હતી સરદાર પટેલ કે દિનદયાળ ઉપાધ્‍યાયના નામે સ્‍પેશ્‍યલ ટ્રેન દોડાવવામાં આવે તેવી શકયતા છે. પ્‍લેટફોર્મ એલર્ટ એસએમએસ સેવા શરૂ થશે. ટ્રેન કયા પ્‍લેટફોર્મ પર આવશે તેની માહિતી મેસેજ થકી મળશે.    રેલ્‍વેને સાતમાં પગારપંચની ભલામણો લાગુ કરવા માટે ૩ર૦૦૦ કરોડ જોઇશે. આ ભરપાઇ મુસાફરી ભાડામાં ૧૦ ટકા અને માલ ભાડા વધારા થકી થઇ શકે છે. ઉતારુ ભાડાં યથાવત્ રાખીને રેલવે પ્રધાન કરોડો રેલવે પ્રવાસીઓને ખુશ કરી દેશે, પરંતુ રેલવેના સ્વાસ્થ્ય માટે માલની હેરફેરનાં દર વધારવા આવશ્યક છે.કુલ રેલ્‍વે બજેટ 1.25 લાખ કરોડનુ રાખવામાં આવે તેવી શકયતા છે. સ્‍ટેશનો પર સ્‍વચ્‍છતા અને ખાણીપીણી ઉપર વધુ ધ્‍યાન આપવામાં તેવી શકયતા છે. રેલ્‍વેની કમાણી વધારવા માટે કેટલીક સ્‍પેશ્‍યલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે અને તેનુ ભાડુ વધારવામાં આવશે. રેલ્‍વે બજેટમાં સ્‍ટેશનો અને ટ્રેનોને સ્‍વચ્‍છ રાખવા અનેક પગલાઓ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

વેબદુનિયા પર વાંચો