ગુજરાતમાં ડોલો ટેબલેટની માંગ વધી, લોકો આડેધડ ખરીદી રહ્યાં છે DOLO 650 ટેબલેટ

શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (19:02 IST)
કોવિડ-19 મહામારીએ ઘણી હેલ્થકેર અને ફાર્મા કંપનીઓને અરબપતિ બનાવી દીધા છે. ડોલો 650 (Dolo 650)ટેબ્લેટના નિર્માતાનો પણ તેમા સમાવેશ છે.  માર્ચ 2020 માં કોવિડના પ્રકોપ બાદ  અત્યાર સુધીમાં 350 કરોડથી વધુ ડોલો ટેબ્લેટ વેચવામાં આવી છે. રોગચાળા દરમિયાન, ડોકટરો આ દવાને સૌથી વધુ લેવાની સલાહ આપી રહ્યા છે. આ કારણે ડોલો પર દરરોજ મીમ્સ પણ  શેર કરવામાં આવે છે. આ મીમ્સ એ એક રીતે Dolo 650 માટે જાહેરાતનુ કામ કર્યુ છે. ગુજરાતમાં પણ DOLOનું વેચાણ ધૂમ ચાલી રહ્યું છે.
 
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, જેમ જેમ ઓમિક્રોનનો ડર અને કેસ વધતા ગયા તેમ, ડોલો પરના મીમ્સ અને પોસ્ટ્સ ફરીથી સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. આ મીમ્સ અને વેચાણને કારણે, ડોલો 650 નો બજારહિસ્સો વધીને 60 ટકાની નજીક પહોંચી ગયો છે.  ડોલોનું ઉત્પાદન બેંગ્લોરની માઇક્રો લેબ્સ દ્વારા કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં પણ ડોલોના માર્કેટ શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ડોલો 650 એ 650 એમજી પેરાસીટામોલ ટેબ્લેટ છે જેનો ઉપયોગ તાવ અને પીડાની સારવારમાં થાય છે
 
કોરોનાના કેસો વધતા ફરીથી લોકોમાં કોરોનાનો ભય જોવા મળ્યો છે..જેના કારણે સામાન્ય તાવ આવતા પણ લોકો હવે ડોલો ટેબલેટનો વપરાશ કરી રહ્યા છે…ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જ 4 કરોડ રૂપિયાની ડોલો  ટેબલેટનું વેચાણ થઈ ગયું છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં જ 1.25 કરોડ રૂપિયાની ડોલો-650 ટેબલેટનું વેચાણ થઈ ચૂક્યું છે.
 
ગુજરાતમાં DOLO 650 ટેબલેટ ચણા-મમરાની જેમ વેચાઈ રહી છે. લોકો આડેધડ રીતે તાવ અને દુ:ખાવા માટે DOLO 650 ટેબલેટ ખરીદી રહ્યાં છે….ખાસ વાત એ છે કે, અમદાવાદમાં સૌથી વધુ 30 થી 35 લાખ રૂપિયાની Dolo 650 ટેબલેટનુ વેચાણ થયું છે. આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે, વધારે પડતી Dolo 650 લેવાથી લીવર પર આડઅસર થઈ શકે છે.
 
શુ કહેવુ છે કંપનીનુ 
 
માઇક્રો લેબ્સના એક્ઝિક્યુટિવ વીપી (માર્કેટિંગ) જયરાજ ગોવિંદરાજુ કહે છે કે અમે કાયદા મુજબ આનો પ્રચાર કરી રહ્યા છીએ અને પેક પર એક વૈધાનિક ચેતવણી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો પેરાસીટામોલ નિર્ધારિત માત્રામાં લેવામાં આવે તો તે સારી રીતે સહન કરવામાં આવતી દવા તરીકે ઓળખાય છે. પરંતુ તેના ઓવરડોઝથી લીવર અને અગ્નાશયને નુકસાન થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર