ગુજરાતમાં દલિત અત્યાચાર મામલે હિંસક રૂપ લઈ લીધુ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગચંપી અને તોડફોડની ઘટના સામે આવી છે. જામનગરમાં મોડી રાત્રે લોકો અને પોલીસમાં હિંસક ઝડપ થઈ છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં પોલીસે હિંસક ભીડ પર કાબૂ મેળવવા માટે 5 રાઉંડ ટીયરગેસ છોડ્યા. આ દરમિયાન રાજ્ય પરિવહન નિગમની બસ પણ શિકાર બની. ભીડે ચાલતી બસ પર પત્થરમારો કર્યો. જેના કારણે બસ ડ્રાઈવર અને મુસાફરો ઘવાયા.
ઉનાના મોટા સમઢીયાળામાં દલિત યુવાનો પર અત્યાચાર ગુજારાયાની ઘટનાને પગલે ગોંડલમાં પાંચ અને જામકંડોરણામાં બે દલિત યુવાનોએ ગઇકાલે ઝેર પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં રાત્રીના રાજકોટના શાપર વેરાવળ અને રાજકોટ શહેરમાં દલિત સમાજના લોકોના ટોળા રોષભેર રોડ પર ઉતરી આવ્યા હતાં. જેમાં શાપરમાં કલાકો સુધી વાહનોનો ચક્કજામ થયો હતો. તો રાજકોટમાં નાના મવા સર્કલ, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ટોળાએ બાઇક સહિતના વાહનો પર નીકળી પડી બીઆરટીએસ બસ સ્ટોપમાં પથ્થરમારો કરી ભારે તોડફોડ કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, હથીયારધારી પોલીસ જવાનો અને એસઆરપીનો કાફલો દોડી ગયો હતો. મોડી રાત્રે પોલીસે પરિસ્થિતી શાંત પાડી હતી. એ પહેલા રાત્રે સાડા અગિયારેક વાગ્યા આસપાસ મહિલા કોલેજ અન્ડર બ્રિજ પરથી પસાર થઇ રહેલી વેરાવળ-અમદાવાદ રૂટની ટ્રેન પર કોઇએ પથ્થરમારો કરતાં બારીનો કાચ ફુટીને પથ્થર આસી. ડ્રાઇવરને લાગી જતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયેલ છે. આ હુમલો દલિત સમાજના આક્રોશની ઘટના અંતર્ગત થયો કે કેમ? તે અંગે પોલીસે તપાસ આદરી છે. બીજી તરફ આજ સવારથી જ શહેરભરમાં પોલીસ-એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હોઇ સંપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે.
રાત્રીના ટોળાઓ મવડી 150 ફુટ રીંગ રોડ પર નીકળી પડતાં અને નાનામવા સર્કલ પાસે બીઆરટીેએસનું બસ સ્ટોપ તથા રૈયા ટેલિફોન એકસચેન્જનું બીઆરટીએસનું બસ સ્ટોપ નિશાન બનાવી પથ્થરમારો કરી ભારે નુકસાન કરતાં તેમજ રૈયા રોડ પર ટોળુ દૂકાનો બંધ કરાવવા નીકળી પડતાં પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને ખાસ કરીને નાના મવા સર્કલ, કાલાવડ રોડ જડ્ડુસ રેસ્ટોરન્ટ, મોટા મવા, ગોંડલ રોડ આંબેડકરનગર, એસ. ટી. વર્કશોપ પાછળ, કાલાવડ રોડ એમ.જી. હોસ્ટેલ પાસે, મોચી બજાર, મોરબી રોડ, ગણેશનગર, રોહીદાસપરા, ચુનારાવાડ, એંસી ફુટ રોડ આંબેડકરનગર, રૈયાધાર, ઇન્દિરાનગર સહિતના દલિત સમાજની વસ્તીવાળા વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇ લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઇ હતી.
બીજી તરફ ટોળાએ નાના મવા સર્કલ, કાલાવડ રોડ, 150 ફુટ રીંગ રોડ પર પોલીસને ભારે દોડધામ કરાવી હતી. મોડી રાત્રે પરિસ્થિતિ શાંત પડી હતી. બીઆરટીએસ સ્ટોપમાં તોડફોડ મામલે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે ફરિયાદ નોંધાવવામાં આવશે. આજ સવારથી 38 જેટલા પોઇન્ટ પર એસઆરપીની બે કંપની, હથીયારધારી પોલીસનો કાફલો તથા અન્ય તમામ પોલીસ મથકોના સ્ટાફ દ્વારા પોત-પોતાના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હોઇ શાંતિ પ્રવર્તી રહી છે.
રાત્રીના સમર્પણ ચોકડી પાસેથી પસાર થઇ રહેલી એસ.ટી. બસના કાચ ટોળા દ્વારા પથ્થરમારો કરીને ફોડવામાં આવતા ડ્રાઇવરને ઇજા થઇ હતી, પરંતુ ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને 27 મુસાફરો સાથેની બસને ભગાવી મૂકીને એસ.ટી. ડેપોએ પહોંચાડી દેતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. જયારે ઇન્દીરા કોલોની તથા જુદા જુદા વિસ્તારોમાં ટોળાને વિખેરીને અમુક તત્વોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતાં